ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સુરેશ મગનભાઈ રંગાડીયા નામનો શખ્સ એક સગીરાને બળજબરીપૂર્વક બાઈકમાં અપહરણ કરી લઈ જઈને ગામની સીમમાં આવેલી કપાસની વાડીમાં લઇ ગયો હતો અને ત્યાં તેના પર મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીરાએ તેના પરિજનોને જાણ કરતા પરિવારજનોએ સુરેશ રંગાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન આ કેસ મોરબી જીલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો ગયો હતો અને આ કેસમાં મેજીસ્ટ્રેટ ડી. પી. મહિડાની કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.
આ પહેલા ફરિયાદી તરફથી સરકારી વકીલ એસ. સી. દવેએ આરોપી વિરુધ્ધ જોરદાર દલીલો કરી હતી તેમજ કેસમાં 15 સાક્ષી અને 27 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.મેજીસ્ટ્રેટ ડી પી મહીડાએ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી સુરેશ મગન રંગાડીયાને દોષિત જાહેર કર્યો હતો અને આઈપીસી કલમ 363 મુજબ 3 વર્ષની કેદ, 3000 દંડ, આઈપીસી 366 મુજબ 5 વર્ષની કેદ તેમજ આઈપીસી 376(2), પોક્સો 3(એ) મુજબ 10 વર્ષની કેદ અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો, સાથે કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાને રૂ. 1 લાખનું વળતર તેમજ આરોપી જે દંડની રકમ ભરે તે મળી કુલ 1.20 લાખ ચુકવવા આદેશ કર્યો હતો.