ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખોરાણા ખાતે કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવાખાનુ ખોલી લોકોની સારવાર કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસની હકીકત એવી છે કે તા. 16-3-2024ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના અધિકારીને ખાનગી રાહે હકીકત મળેલી કે મુકેશભાઈ મનસુખભાઈ ઠાકર નામનો ઈસમ કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર ખોરાણા ગામ ખાતે એક રૂમમાં ક્લિનિક ખોલી દર્દીની સારવાર કરી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોય જે બાબતની હકીકત પોલીસને મળતા બનાવવાળી જગ્યાએ પંચોને સાથે લઈ જઈ રેડ કરતાં આરોપી મુકેશભાઈ મનસુખભાઈ ઠાકરે ડોકટરનું રૂપ ધારણ કરી દર્દીઓને એલોપેથિક દવા, ઈન્જેકશન આપવાનું તથા બાટલા ચડાવતા નજરે પડ્યું હતું જેથી પોલીસે આરોપી પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવાનો આધાર માગતા આરોપી પોતે ડોકટર નથી તેવી વિગત જણાવતા આરોપીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી હતી.
- Advertisement -
ત્યારબાદ આ બોગસ ડોકટર વિરુદ્ધ પૂરતો પુરાવો મેળવી લાગતા વળગતા સાહેદોના નિવેદન લઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ ચાલતા ફરિયાદી તરફે સાહેદોને તપાસતા તેના દ્વારા ફરિયાદને લેશમાત્ર સમર્થન મળ્યું નહીં તેમજ ઉલટ તપાસમાં ખુદ પોલીસ સાહેદ દ્વારા સ્વીકારવામાં આવ્યું કે આરોપી બોગસ ડોકટર બની દર્દીની સારવાર કરે છે તેવી ફરિયાદ કોઈ વ્યક્તિ દ્વારા મળી ન હતી. આજુબાજુના સાહેદો કે સારવાર લીધેલી કોઈ દર્દીના નિવેદન લીધેલા નથી તેમજ એ વાત સ્વીકાર્યુ કે આ બોગસ ડોકટર અંગેની કોઈ જાણ પોલીસે હેલ્થ ઓથોરીટીને કરી નથી, આમ કેસ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા, અંકિત ચૌહાણ તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા.



