ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટના આનંદનગર કોલોનીના રહીશ રમેશચંદ્ર મહેતાએ મિત્રતાના સંબંધે કનૈયાલાલ ભીંડોરા પાસેથી લીધેલ રૂા. 90,000 પરત કરવા આપેલ ચેક રિટર્ન થતાં આરોપી વિરુદ્ધ ફરિયાદીએ દાખલ કરેલ, કેસ ચાલી જતાં આરોપીને નિર્દોષ છોડી મૂકતો હુકમ ફરમાવેલો છે. કેસની હકીકત જોઈએ તો આરોપી અને ફરિયાદી મિત્ર હોય, આરોપીને છ માસ માટે મિત્રતાના દાવે ફરિયાદીએ આપેલ રૂા. 90,000 પરત કરવા આરોપીએ આપેલ ચેક રિટર્ન થતાં તે અન્વયે ગાયકવાડી પ્લોટમાં રહેતાં ફરિયાદી કનૈયાલાલ વૃજલાલ ભીંડોરાએ આનંદનગર કોલોની, નીલકંઠ સિનેમા સામે રહેતાં આરોપી રમેશચંદ્ર રતિલાલ મહેતા વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરાવી હતી. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતાં આરોપી તરફથી ફરિયાદીની વિગતવાર ઉલટતપાસ કરવામાં આવી અને ફરિયાદીએ ઓરલ એવીડન્સ ઉપરાંત 11 દસ્તાવેજી પુરાવા રજૂ કરી પોતાનો કેસ પુરવાર કરેલો હોય સજા કરવા કરેલ રજૂઆત સંબંધે આરોપીના એડવોકેટ સુરેશ ફળદુએ રજૂઆત કરેલી કે ફરિયાદી પોતાનો કેસ પૂરવાર કરી શકેલ નથી, જ્યારે ફરિયાદી પોતાનો કેસ પુરવાર કરે બાદ જ બોજો આરોપી ઉપર શીફ્ટ થઈ શકે તેમ છતાં આરોપી તરફથી ફરિયાદની ઉલટતપાસ દરમિયાન નક્કર અને માનવાલાયક પુરાવાથી ફરિયાદ પક્ષના પુરાવાનું ખંડન કરેલું છે, સંપૂર્ણ વ્યવહાર વ્યાજનો હતો તે અન્વયે ડાયરી ફરિયાદીના અક્ષરમાં નિભાવવામાં આવતી તે ડાયરી પુરાવામાં દાખલ થયેલ છે એ રીતે રૂા. 90,000 હપ્તા સ્વરૂપે ચૂકવી આપેલનું જણાય છે. આરોપીએ નોટીસ જવાબથી જ પોતાનો બચાવ રજૂ રાખેલો છે છતાં આ હકીકતો છુપાવી ચેકનો દુરુપયોગ કરી ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
બંને પક્ષને રજૂઆત રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો તથા ઉલટતપાસ દરમિયાન આરોપી તરફથી રેકર્ડ પર લાવવામાં આવેલ હકીકતો લક્ષે લેતાં ફરિયાદી રેડીમેઈડ કપડા મગાવી રીટેઈલમાં વહેંચવાનો ધંધો કરતા હોવાનું અને આરોપી ત્યાંથી માલ લેતાં હોવાનું અને આરોપીને ખરીદી માટે ફાઈનાન્સમાંથી રકમ અપાવી ફરિયાદી પોતાની રકમ વસુલી લેતા હોવાનું અને ફાઈનાન્સના હપ્તાની ડાયરીના માધ્યમથી હપ્તા વસુલ કરવામાં આવતા હોવા સંબંધેની ડાયરી ઉલટતપાસમાં રેકર્ડ પર આવતી હોય જેમાં ફરિયાદીના હસ્તાક્ષર હોવાનું કબુલતા ડાયરી પુરાવામાં દાખલ થયેલી હોય તેમાં હપ્તાની રકમ ચૂકવાયેલીનું જણાય આવતુ હોય ફરિયાદી તરફથી આ સિવાય અન્ય કોઈ વ્યવહાર પેટેની ડાયરી હોવાનું રેકર્ડ પર લાવી શકેલા નથી અને સિક્યુરિટીના ચેકનો દુરુપયોગ કરેલની હકીકતોને સમર્થન મળે છે. પુરાવા પરથી રૂા. 90,000ના માલનો વ્યવહાર થયેલા તેટલી જ રકમનો હાથ ઉછીનાનો વ્યવહાર થાય તેવું યોગાનુયોગ હોઈ શકે નહીં, આમ હાથઉછીનાનો નહીં પરંતુ થયેલ વેપારી વ્યવહારમાં ફાઈનાન્સનો વ્યવહાર હોય તે રકમ ચુકવાય ગયેલ હોવાનું અને ચેકનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાનું આરોપી અસરકારક ખંડનાત્મક પુરાવો રજૂ કરવામાં સફળ થયેલ હોય અને ફરિયાદીના કેસમાં પ્રિ-પોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટીથી શંકા ઉત્પન્ન કરેલી હોય તે પર્યાપ્ત હોય તે શંકા ખોટી હોવાનું પુરવાર કરવાનો ફરિયાદી ઉપર શીફ્ટ થયેલી હોય ત્યારે ફરિયાદી તરફથી કોઈ મહત્ત્વનો દસ્તાવેજી પુરાવો રજૂ કરી શંકા દૂર કરી શક્યા નથી તેમ માની આરોપી રમેશચંદ્ર મહેતાને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોક્ત કામમાં આરોપી રમેશચંદ્ર મહેતા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન કોરાટ રોકાયેલા હતા.