જૂનાગઢમાં દેશી દારૂના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે દારૂની ભઠ્ઠીઓ પર રેઇડ પાડી 3 શખ્સની અટક કરી રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલ બંધ પડતર મકાનોમાં પંચેશ્વર વિસ્તારના લિસ્ટેડ બુટલેગરો રાત્રિના સમયે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દેશી દારૂ ઉતરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા ખાનગી ઓપરેશન ગોઠવી રેઇડ પાડી પ્રોહીબીશન ધારા હેઠળ 8 કેસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચે કિશન મુળુભાઈ ગુરગટીયા, રાજુ ડાયાભાઈ સિંધલ અને મેરામણ ઉર્ફે ડાયાભાઈ સિંધલ ધરપકડી કરી રૂપિયા 1,51,250નો દેશી દારૂ બનાવવાનો 6,050 લિટર આથો, રૂપિયા 33,200નો 166 લિટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો, બાઈક સહિત રૂપિયા 2,44,250નો મુદામાલ કબજે લીધો હતો. બુટલેગર દેવા લખમણભાઇ મોરી, ભરત બધાભાઈ મૂછાળ, કાળુ પરબતભાઈ કરમટા અને બીજલ દેવાભાઈ મુછાળ નાસી જતા તપાસ હાથ ધરી હતી જયારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે. પટેલ અને તેમની ટિમ દ્વારા દેશી દારૂના અડ્ડા પર ત્રાટકતા દેશી દારૂના બુટલેગરોમાં નાશભાગ મચી હતી.