રાણાવાવ પોલીસે દરોડો પાડી રૂ. 28,650નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
જિલ્લામાં દારૂબંધીના કાયદાનો અમલ કરતી પોરબંદર પોલીસે વધુ એક કામગીરીમાં રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીનાં સાધનો મળી કુલ રૂ. 28,650નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે આરોપી ફરાર થઈ ગયો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની ખાસ સૂચના મુજબ અને રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ મથકના પીઆઈ એન.એન.તળાવીયા અને તેમની ટીમે બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી કાર્યવાહીની ધમધમાટી સર્જી હતી. પોલીસે બરડા ડુંગર સ્થિત થોરીયાનેશ નજીક ટેકરી વિસ્તારમાં દરોડો પાડી વિજફાડીયાનેશ ગામના રહેવાસી ચના હાદા કટારાની ભઠ્ઠી શોધી કાઢી હતી. અહીંથી દારૂ બનાવવામાં આવતો અંદાજિત 1000 લિટર દેશી દારૂનો આથો તથા દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 28,650નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ આરોપી ચના હાદા કટારા ઘટનાસ્થળેથી ફરાર થયો છે. તેની વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.