બેઠક વાઇઝ 14 ટેબલ પર થશે ગણતરી સૌ પ્રથમ બેલેટ પેપરથી પડેલા મતોની ગણતરી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણનાની પૂર્વ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શનમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.
મતગણના માટેના સ્ટાફનું બીજી રેન્ડેમાઈઝેશન પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
એટલે કે, મતગણનામાં રોકાયેલ સ્ટાફ કઈ વિધાનસભા બેઠકની મતગણતરીમાં ફરજ બજાવશે તે નક્કી કોમ્પ્યુટર-સોફ્ટવેરના માધ્યમથી થઈ ચૂક્યું છે.
હવે ત્રીજી રેન્ડેમાઈઝેશન મતગણતરીના દિવસે તા.8-12-2022ના રોજ વહેલી સવારે 5 કલાકે કરવામાં આવશે. જેમાં મતગણના માટેના કર્મચારી ક્યાં ટેબલ પર ફરજ બજાવશે તે નક્કી થશે. જીલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે કરવામાં આવનાર છે.
મતગણના શરૂ થવાના પૂર્વે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઓબ્ઝર્વર સહિતના સંબંધિતો સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેશે. ત્યારબાદ સૌપ્રથમ બેલેટ પેપરથી કરાયેલા મતોની ગણના કરવામાં આવશે.
આ ગણતરી પૂર્ણ થયા બાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવશે.મતગણતરીના રાઉન્ડ મતદાન મથકની સંખ્યાના આધારે નક્કી થતા હોય છે. જેમાં વિસાવદર બેઠકનું પરિણામ 22 રાઉન્ડના અંતે જાહેર થશે. તેવી જ રીતે જૂનાગઢનું 21, માણાવદરનું 20, કેશોદનું 19 અને માંગરોળનું 17 રાઉન્ડના અંતે મતગણતરી પૂર્ણ થશે અને મતગણના સેન્ટર ખાતે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પણ મતગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે.