લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરશે, એવામાં અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જો કે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા થોડા દિવસોની હિલચાલ પર નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી કોંગ્રેસ ધીરે ધીરે ખાલી થઈ રહી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો ઘણા નેતાઓ કેસરીયો પણ ધારણ કરી રહ્યા છે. જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ, માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. માળિયા કારોબારી સભ્ય સહિતના આગોવાનોએ કોંગ્રેસ છોડી છે.
લોકસભા પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. આ પહેલા સોમવારે માત્ર 8 કલાકના ગાળામાં કોંગ્રેસના અંબરીષ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. સાથે જ એવા સમાચાર પણ છે કે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરતીમેળામાં આ બંને નેતાઑ સાથે તેમના સમર્થકો પણ કેસરીયો ધારણ કરશે.
લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ભાજપે કોંગ્રેસની નાવડી મઝધારે ડગમગાવી દીધી છે. કહેવાય રહ્યું છે કે રામ મંદિર ઉદ્ધાટન બહિષ્કાર કોંગ્રેસને ભારે પડી શકે છે. આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ કોંગ્રસનો હાથ છોડે તો નવાઇ નહીં.