તાલાલા નગરના 16 રેવન્યુ પ્રેકટીશનરે મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ થતી લુંટની તપાસ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા ખળભળાટ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા મામલતદાર કચેરીના ઈનચાર્જ નાયબ મામલતદાર(સુપર)જે.વી.સિંધવ દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવતા ભ્રષ્ટાચાર ની તપાસ કરી જવાબદાર કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી સાથે તાલાલા નગરના 16 રેવન્યુ પ્રેકટીશનરો એ આવેદન આપતા તાલાલા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
તાલાલા મામલતદાર મારફત ગીર સોમનાથ જિલ્લા કલેકટર ને મોકલેલ આવેદનપત્રમાં જણાવેલ ચોંકાવનારી વિગતો પ્રમાણે તાલાલા મામલતદાર કચેરીમાં જ્યારે અરજદારોની હક્ક પત્રક ની કાચી નોંધો રૂપિયા આપ્યા વગર પ્રમાણીત કરવામાં આવતી નથી.જો અરજદારો રૂપિયા આપવાની નાં પાડે તો ખોટાં અને મનઘડીત કારણો બતાવી નોંધ નામંજૂર કરવામાં આવે છે.આ ઉપરાંત અરજદાર કે વકિલ મિત્ર કોઈ પણ કામ સબબ જાય ત્યારે કામની સાચી માહિતી આપવાનાં બદલે અરજદારોને ખોટાં જવાબો આપી ગેરમાર્ગે દોરે છે.આ ઉપરાંત વેંચાણ દસ્તાવેજ થી કોઈ પણ નોંધ આવે તેમાં રજીસ્ટ્રાર કચેરી ખાતે વેચનાર નો ફોટો પડે અને વિડિયો શુટીંગ પણ કરવામાં આવે છે ત્યારબાદ દસ્તાવેજ ની નોંધણી થાય છે.વેંચાણ દસ્તાવેજ સમયે વેચનાર અને પક્ષકારો સબ રજીસ્ટ્રાર શ્રીની હાજરીમાં સહી તથા અંગુઠાના ફીંગર પ્રિન્ટ લેવામાં આવે છે ત્યારબાદ ઈ-ધારા માં વેંચાણ ની અરજી આપવામાં આવે છે જેમાં 135 ડી નોટિસ અરજદારની બજી ન હોય અથવા નોંધ દાખલ થઈ હોય જેમાં કોઈ પણ દસ્તાવેજ ખુટતું હોય કે ક્ષતિ હોય જેમાં અરજદાર ને રજુઆત માટે કે પુર્તતા કરવાની તક આપ્યા વગર નોંધ નામંજૂર કરી અરજદારોને મુશ્કેલીમાં મુકવામાં આવે છે.જયારે કચેરીના મળતીયાઓને પુરતો સમય અને તક આપવામાં આવે છે.આ ઉપરાંત વિવાદીત નોંધ હોય ત્યારે મનમાની કરી મોટી રકમ પડાવવામાં આવે છે. મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર પૈસા વગર કામ કરતા નથી તેમજ મનસ્વી રીતે કામગીરી કરી અરજદારોને હેરાન પરેશાન કરતા હોય આ અંગે ત્વરિત તપાસ કરી ઘટતું કરવા આવેદનપત્રમાં માંગણી કરી છે.આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં રાજ નારેજા ની રાહબરી હેઠળ 16 રેવન્યુ પ્રેકટીશનરો જોડાયા હતાં.
તાલાલા શહેરના રેવન્યુ તલાટી પણ મનમાની કરે છે
તાલાલા શહેરમાં ગામતળની હયાતીમાં વારસદાર નાં નામ દાખલ કરાવવા અરજદારો જ્યારે રેવન્યુ તલાટી પાસે જાય છે ત્યારે વારસદાર ના નામ દાખલ કરવાની સ્પષ્ટ નાં પાડવામાં આવે છે જ્યારે અન્ય તાલુકામાં હયાતીમાં વારસદાર નાં નામો દાખલ કરી આપવામાં આવે છે. આવેદનપત્ર આપવા ગયેલ રેવન્યુ પ્રેકટીશનરોએ મામલતદાર ને રજુઆત કરી રેવન્યુ તલાટી પણ મનમાની કરતાં હોય તેની પણ તપાસ કરવા માંગણી કરી હતી.
આવેદનપત્ર મળ્યું છે..કલેકટરને મોકલ્યું..!!
તાલાલા નગરના રેવન્યુ પ્રેકટીશનરો એ આવેદનપત્ર આપ્યું છે જે ગીર સોમનાથ જિલ્લા સમાહર્તા ને મોકલી આપવામાં આવેલ છે તેમ મામલતદારે જણાવ્યું હતું.
તલાલા રેવન્યુ પ્રેક્ટિસનરો નાયબ મામલતદાર સામે કરેલ આક્ષેપો ખૂબ જ ગંભીર છે
બાર એસોસિયેશને ગીર સોમનાથ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો બાર એસોસિયેશને મુખ્યમંત્રી તથા મહેસુલ મંત્રીને પણ પત્રની નકલ મોકલી છે તાલાલા રેવન્યુ પ્રેક્ટિસનરોએ તાલાલા ઇન્ચાર્જ નાયબ મામલતદાર(સુપર)જે.વી સિંધવ વિરુદ્ધ કરેલ આક્ષેપો ખૂબ જ ગંભીર છે જેનાથી રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો તથા અરજદારોને ખૂબ જ તકલીફ પડે છે માટે આવેદનપત્રમાં કરવામાં આવેલ રજૂઆતો અન્વયે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી યોગ્ય કરવા તાલાલા બાર એસોસિએશનના પ્રમુખ સંજયસિંહ રાઠોડે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને મોકલેલ પત્રમાં માંગણી કરી છે.બાર એસોસિએશને પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી તથા મહેસુલ મંત્રીને પણ મોકલતા ભારે ચકચારફેલાયેલછે.