ટ્રાફિક, ગુનાખોરી, ડ્રગ્સ મુદ્દે પોલીસ કમિશનરે પત્રકારો સાથે વાત કરી સૂચનો માંગ્યા
નવનિયુક્ત પોલીસ કમિશનરે પત્રકારો સાથે સ્નેહ મિલન યોજ્યું, પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આજે પત્રકાર સ્નેહ મિલન યોજ્યું હતું. જેમાં પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા. જેમાં પોલીસ કમિશનર સાથે શહેરને લગતી અલગ અલગ સમસ્યા વિશે મુક્તમને ચર્ચા કરી હતી. જેમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા, ડ્રગ્સના રવાડે ચડી ગયેલા યુવાનો વિશે, ગુનાખોરી, સાયબર ક્રાઈમ વિશે પત્રકારો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સરકારી એજન્સીઓના સંકલન અને પોલીસની છાપ નાગરિકોમાં સુધરે તેવા પ્રયત્નો કરીશું તેવી ખાતરી આપી હતી. ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે મહાનગરપાલિકા અને જનતાનો સાથ જરૂરી છે કારણ કે, જ્યારે પણ કોઈ નવું બાંધકામ થાય ત્યારે પોલીસ તંત્ર, પીજીવીસીએલ તંત્રને સાથે રાખીને આયોજન કરવું જરૂરી બને છે. શહેરમાં ગુનાખોરી ઘટે તે માટે ગુનેગારો ઝડપથી પોલીસના સકંજામાં આવે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરીશું. રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું કે, પોલીસ અને પત્રકારો એક સિક્કાની બે બાજુ છે બન્નેનું સંકલન જરૂરી બને છે.