25 દેશોમાં હોસ્પિટલોમાં અને 49 દેશોમાં ICUમાં બેડની તંગી સર્જાવાની આશંકા.
કોરોનાના કેસો વધતાં જર્મની અને ડેનમાર્કમાં પ્રવાસ ન કરવાની USની એડવાઇઝરી.
ભારત અને નેપાળ વચ્ચે એકબીજાના કોરોના રસીના પ્રમાણપત્રો માન્ય કરવા સમજૂતી થઈ.
ખાસ-ખબર સંવાદદાતા
53 દેશો ધરાવતાં યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોનાનો કુલ મરણાંક સાત લાખે પહોંચી શકે છે તેવી આગાહી વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કરી છે. ડેનમાર્કના કોપનહેગન શહેર સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને 60 વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જોઇએ. આજે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જોઇએ. ગયા સપ્તાહે કોરોના મહામારીમાં દૈનિક મરણાંક 4200 સુધી પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક પંદર લાખે પહોંચી ગયો છે જે માર્ચ મહિનામાં વધીને વીસ લાખે પહોંચી શકે છે. ભારત અને નેપાળે એકબીજાના કોરોના રસીના પ્રમાણપત્રોને માન્ય કરવા માટે સમજૂતી સાધી છે જેથી બંને દેશોમાં કોરોનાની બંને રસી લેનારા લોકો સરળતાથી પ્રવાસ કરી શકશે.
યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો
- Advertisement -
એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 53માંથી 49 દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો 25 દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની તંગી સર્જાશે.