વિશ્વભરમાં હાહાકાર સર્જનારા કોરોનામાંથી માંડ મુક્તિ મળી છે ત્યાં તેનો નવો અત્યંત ચેપી નવો મ્યુટન્ટ કેનેડામાં જોવા મળ્યો છે. પેસીફીક ક્ષેત્રમાંથી કયારેય બહાર નહી ગયેલા બ્રિટીશ કોલંબીયન વ્યક્તિમાંથી ઓમીક્રોનનો નવો ખતરનાક બીએ 2.86 વેરીએન્ટ દેખાયો છે જેને પગલે આરોગ્યતંત્ર એલર્ટ બન્યુ છે. તબીબી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બીએ 2.86 વેરીએન્ટ ધરાવતી વ્યક્તિને હોમ કવોરન્ટાઈન જ રાખવામાં આવી છે.
હોસ્પીટલાઈઝેશનની જરૂર પડી નથી. કેનેડામાં આ વેરીએન્ટ દેખાવાનું અપેક્ષિત હતું. આ પુર્વે ગત મહિને ડેનમાર્કમાં આ વેરીએન્ટ જોવા મળ્યો હતો. એકસબીબી 1.5 વાઈરસ કરતા તેમાં 35 બદલાવ જોવા મળ્યા હતા. અમેરિકી એજન્સીએ એવુ જાહેર કર્યુ છે કે અગાઉ કોરોના સંક્રમણ ભોગવી ચુકેલા લોકો અથવા રસીના પ્રિવેન્ટીવ ડોઝ લઈ ચુકેલા લોકોમાં તે ફેલાવવા સક્ષમ છે. નિષ્ણાંતોનો એવો દાવો છે કે ભલે નવા વેરીએન્ટ પર વોચ રાખવી પડે તેમ હોવા છતાં અગાઉની જેમ મહામારી રૂપે હાહાકાર સર્જાય તેમ નથી. કારણ કે દુનિયાભરમાં રસીકરણ તથા આગમચેતીના કદમ ઉઠવાઈ જ ચૂકયા છે.