5 કેસમાંથી 4 કેસ એક જ પરિવારમાં નોંધાયા
રાજકોટમાં 6 દિવસ સુધી એક પણ કેસ નોંધાયો નહોતો. પરંતુ ગઇકાલે એકસાથે 5 કેસ નોંધાતા ફરી કોરોનાએ માથુ ઊંચક્યું છે. મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસ, તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. આથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ફરી વધારો થઇ રહ્યો છે. પોઝિટિવ કેસની સંખ્યા વધતા એક્ટિવ કેસ 2માંથી 7 થયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63687 પર પહોંચી છે. રાજકોટ શહેરમાં કોરોનાના એકસાથે નોંધાયેલા 5 કેસમાં 4 કેસ એક જ પરિવારના છે. જ્યારે અન્ય એક રાજકોટ બહારના પ્રવાસીનો છે. સોરઠિયાવાડી સર્કલ પાસેથી એકસાથે ચાર પોઝિટિવ કેસ નોંધયા છે, તમામનું સરનામું તેમજ ફોન નંબર એક જ હોવાથી એક જ પરિવારના છે. પરંતુ દવા અને કેસ હિસ્ટ્રી માટે સાંજના સમયે આરોગ્યકર્મીઓએ ફોન કરવાનો પ્રયત્ન કરતા ફોન લાગ્યા નહોતા. આથી ટીમ રૂબરૂ પહોંચશે. આ સિવાય એક યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે તે રાજકોટ શહેરનો રહેવાસી નથી અને પોતાના કામ અંગે અન્ય રાજ્યમાંથી રાજકોટ આવ્યો છે અને યાજ્ઞિક રોડ પરની હોટેલમાં છેલ્લા ચાર દિવસથી રોકાયેલો હતો.