દેશમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લી 24 કલાકમાં કોરોનાના 692 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જેમ જેમ શિયાળાની ઠંડી અને શરદી વધી રહી છે એમ એમ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પણ વધી રહ્યું છે. સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લી 24 કલાકમાં કોરોનાના 692 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ ચિંતાજનક વાત એ છે કે દેશભરમાં 24 કલાકમાં કોરોનાને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
- Advertisement -
આ આંકડાને ધ્યાનમાં રાખીને એક રીતે જોવા જઈએ તો દેશમાં દર કલાકે 28 નવા કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 4097 સુધ પંહોચી ગઈ છે. છેલ્લી 24 કલકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાંથી બે મોત મહારાષ્ટ્ર, એક કર્ણાટક, એક દિલ્લી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં થયા છે.
આ સાથે જ કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. ગઇકાલે સુધીમાં ગુજરાતમાં નવા વેરિએન્ટનાં એક સાથે 36 કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાત બાદ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ 24 કર્ણાટકમાં નોંધાવા પામ્યા હતા. જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિએન્ટનાં નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતું
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.