લોક સંસદ વિચાર મંચે પોલીસના અભિયાનને ‘નાટક’ ગણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટના કાયદાના કડક અમલને લઈને લોક સંસદ વિચાર મંચે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. મંચના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી અને નાગજીભાઈ વિરાણીએ એક સંયુક્ત યાદીમાં આ અભિયાનને ’નાટક’ ગણાવ્યું છે.
યાદીમાં જણાવાયું છે કે, પોલીસનું મુખ્ય કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ હેલ્મેટના કાયદાના નામે ટુ-વ્હીલર ચાલકોને આતંકવાદીની જેમ પરેશાન કરવામાં આવ્યા. આના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું અને લોકોમાં રોષ ફેલાયો. આ લોકરોષને કારણે જ ધારાસભ્યો સફાળા જાગ્યા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરવા ગયા.મંચે રાજકોટના પોલીસ કમિશનર પર પણ આકરા પ્રહારો કર્યા છે. યાદીમાં કહેવાયું છે કે, પોલીસ કમિશનર મુખ્યમંત્રીને ખુશ કરવા માટે લાખો રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે અને બીજા દિવસે ગુલાબ આપીને ’નાટક’ કરી રહ્યા છે. તેમણે સૂચન કર્યું કે, ₹500નો દંડ વસૂલવાને બદલે, જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને ગુલાબને બદલે ₹100નું ઇનામ આપવું જોઈએ.
લોક સંસદ વિચાર મંચે સરકારને માંગણી કરી છે કે જો સરકારને નાગરિકોના માથાની ખરેખર ચિંતા હોય, તો હેલ્મેટ પહેરેલા વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના પરિવારને ₹15 લાખનું વળતર આપવાની જોગવાઈ કરવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે હાલ પૂરતું આ અભિયાન ધીમું પડી ગયું છે, પરંતુ ચૂંટણી બાદ હેલ્મેટનું ભૂત ફરીથી ધૂણી શકે છે.



