10 દિવસમાં ઉકેલ નહીં આવે તો થાંભલા ઉખેડી ફેંકવાની કોંગ્રેસની ચીમકી
મોરબીના ખાખરેચી ગામના ખેડૂતની વેદના: ખાનગી કંપની દ્વારા વળતર ચૂકવ્યા વિના દાદાગીરીનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
સૌરાષ્ટ્રમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના અને વળતર ચૂકવ્યા વગર ખેતરોમાં હેવી વીજ લાઇનના ટાવરો અને થાંભલાઓ ખોડી દેવાની ફરિયાદો વચ્ચે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.
ખાખરેચી ગામના ખેડૂત રમેશ દલા કૈલાની માલિકીના ખેતરમાં વીજ પાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવતી સ્ટરલાઇટ (જયિંહિશયિં) નામની કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને ખેડૂતને ડરાવી-ધમકાવીને 765 ઊંટની હેવી લાઇનના તોતિંગ ટાવર (મોતના માંચડા) ઊભા કરી દીધા હોવાનો આક્ષેપ થયો છે. કંપનીએ વળતર ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં છેલ્લા એક વર્ષથી ખેડૂતને એક પણ રૂપિયો મળ્યો નથી.
ખેડૂત રમેશ કૈલાની ફરિયાદ છે કે, તેમના ખેતરમાં જીવતા વીજ પ્રવાહવાળા આ ટાવરોને કારણે ખેતીકામ કરતી વખતે સતત માથે મોતનો ભય રહે છે અને પાકની ઉપજમાં પણ નુકસાની આવી રહી છે. તેમણે આ મુદ્દે છેલ્લા એક વર્ષથી ઊર્જા વિભાગ, કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતનાઓને અનેક રજૂઆતો કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ કંપનીને વળતર ચૂકવવા પત્રવ્યવહાર કર્યા હોવા છતાં, કંપનીએ સરકાર સાથેની કથિત સાંઠગાંઠને કારણે કોઈ કાર્યવાહી કરી નથી.
ખાનગી કંપનીની નિંભરતાથી વ્યથિત થયેલા ખેડૂતે આખરે જિલ્લા કોંગ્રેસના રાજકીય અગ્રણી મહેશ રાજકોટીયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેડૂતની વેદનાથી ગિન્નાયેલા મહેશ રાજકોટીયાએ આક્રોશ ઠાલવતું આવેદનપત્ર કલેક્ટર અને ઊર્જા સચિવ સહિતનાઓને પાઠવ્યું છે.
- Advertisement -
રાજકોટીયાએ તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે ખેડૂતને યોગ્ય વળતર આપી આ મુદ્દાનો ઉકેલ નહીં લાવવામાં આવે, તો તેઓ જિલ્લાભરના ખેડૂતો અને પ્રજાજનોને સાથે રાખીને ખેતરના ખેડૂતની મંજૂરી વિના ઊભેલા મોતના માંચડા જેવા થાંભલા ઉખેડી ફેંકી દેશે. મહેશ રાજકોટીયાની આ આક્રમક ચીમકીથી દિવાળી પૂર્વે જ જિલ્લાના જવાબદાર તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે.