રેલી બાદ બાળકોને ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ભરવામાં આવ્યા; આયોજકોની કામગીરી પર સવાલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મોરબીમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એકતા યાત્રામાં બાળકોના ઉપયોગ અને તેમની અવ્યવસ્થાના મામલે વિવાદ સર્જાયો છે.
મોરબીમાં નવા બસ સ્ટેશનથી નીકળીને મહાનગર પાલિકા કચેરીએ પહોંચેલી આ રેલીમાં ભીડ એકઠી કરવા માટે અભ્યાસના ભોગે શાળાના બાળકોને રેલીનો ભાગ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.
સૌથી ગંભીર બાબત એ સામે આવી કે, રેલી પૂર્ણ થયા બાદ શાળાના બાળકોને પરત મોકલવા માટે ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવ્યા હતા. આ અંગેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા રેલીના આયોજકો સામે અનેક સવાલો ઊભા થયા છે.
- Advertisement -
વાહનોમાં બેઠેલા બાળકો રીતસર દર્દથી કણસતા હતા અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ઘટનાએ ઉજવણીના નામે બાળકોના હિતને અવગણતી આયોજકોની બેદરકારી છતી કરી છે.



