મોટી રાઈડ્સ શરૂ નહીં થાય તો ભાડામાં રાહત આપવા સ્ટોલધારકોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથના સાનિધ્યમાં આજે તા.11 ના સોમવારથી પાંચ દિવસ સુધી શરૂ થનાર કાર્તિકી પૂર્ણિમાનો મેળો શરૂ થાય તે પુર્વે વિવાદ સર્જાયો છે. મેળામાં ચકડોળ જેવી મોટી રાઈડસો આ વખતે બંધ રહેશે એવા સમાચાર સામે આવતા 200 જેટલા સ્ટોલ ધારકો ચિંતામાં મુકાયા છે. ટ્રસ્ટ અને તંત્ર આ મામલે કોઈ રસ્તો કાઢે તેવી સ્ટોલ ધારકો માંગણી કરી રહ્યા છે. જો કે, મોટી રાઈડસો વગર પણ મેળો ચાલુ રહેશે તેવી ટ્રસ્ટે જાહેરાત કરી છે.
- Advertisement -
દર વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થાય છે. તે મુજબ આ વર્ષે પણ આવતીકાલ તા.11થી મેળાનો પ્રારંભ થવા જઈ રહેલ તે પૂર્વે વિવાદ સર્જાયો છે. જે અંગે મેળામાં સ્ટોલ ભાડે રાખનાર વેપારીઓએ જણાવે છે કે, આ વર્ષે કોઈ કારણોસર મેળામાં ચકડોળ જેવી મોટી રાઈડસો શરૂ નહીં થાય તેવા સમાચાર સામે આવ્યા છે. જો મેળામાં મનોરંજનને લઈ આવી રાઈડસો નહીં હોય તો ભીડ જામશે નહીં અને તેની સીધી અસર મેળામાં 200 જેટલા સ્ટોલોના વેપાર ધંધા પર પડશે તે વાતને લઈ અમો બધા ચિંતામાં મુકાયા છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમને રૂબરૂ મળી લેખીત રજૂઆત કરીને ભીડ ન થાય તેવા સંજોગોમાં સ્ટોલ ધારકોને એડવાન્સ ભરેલા ભાડાની રકમ પરત આપવા માગ કરી છે.
બીજી તરફ આ વિવાદ મામલે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મેળામાં મોટી રાઈડસો માટેનું ગ્રાઉન્ડ ભાડે રાખનાર પાર્ટીએ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રવર્તમાન નિતી નિયમોનું પાલન કર્યું ન હોય અને પ્રથમ ક્વોલિફાય પાર્ટીએ આ અંગે સમર્થતા દર્શાવતા ટ્રસ્ટ દ્વારા તેમનું ટેન્ડર રદ કરી દઈ ડિપોઝીટ જપ્ત કરવામાં આવેલ છે. મોટી રાઈડસોના વિકલ્પમાં સરકારની પરવાનગી પાત્ર નાની ચકડોળો જેવી રાઈડસો યથાવત રીતે ચાલુ રહેશે. આ ઉપરાંત ખાણી પીણીના સ્ટોલો હોવાની સાથે પ્રખ્યાત લોકસાહિત્ય કલાકારોના કાર્યક્રમો યોજાશે. જયારે સ્ટોલ ધારકોએ દર્શાવેલ ચિંતા અંગે જનરલ મેનેજરે કહ્યું કે, બે ચાર સ્ટોલ ધારકો અન્યને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓની રજુઆત મેળા કમિટી સમક્ષ મુકાશે તે જે નિર્ણય કરશે તેનું પાલન કરાશે.