ટ્રસ્ટીની નિમણૂક મુદ્દેની ચૂંટણી સામે ચેરિટી કમિશનરમાં ચેતનભાઇ અને જીજ્ઞેશભાઇ ગોંડલીયાએ પીટિશન દાખલ કરી
બની બેઠેલા ટ્રસ્ટી મુકેશ દેસાણી સહિત આઠને 25મીએ હાજર રહેવા નોટિસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
ગુજરાત માર્ગી વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ રાજકોટ ટ્રસ્ટ (રજી. નં. એ-2230)માં વધુ એક મોટો વિવાદ સર્જાયો છે. વર્ષ 1977માં નોંધાયેલ આ ટ્રસ્ટમાં માત્ર એક વર્ષની મુદત માટે ટ્રસ્ટીની નિમણૂંક કરવાનો ઉલ્લેખ છે, છતાં બાદમાં લગભગ 48 વર્ષ સુધી કોઈ નિયમિત ચૂંટણી યોજાઈ નથી. તાજેતરમાં અચાનક ટ્રસ્ટીની નવી નિમણૂંક માટે પસંદગી પ્રક્રિયા જાહેર કરવામાં આવી, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર અને ટ્રસ્ટના બંધારણ વિરુદ્ધ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
મળતી માહિતી અનુસાર, હાલના ‘બની બેઠેલા’ ટ્રસ્ટી મુકેશ દેસાણી સહિત આઠ સભ્યોએ કોઈ લેખિત એજન્ડા, ઠરાવ કે બંધારણીય વિગતો વિના ચૂંટણીની જાહેરાત કરી હતી. 25 નવેમ્બરે હાજર રહેવા માટે નોટિસ પણ ફટકારાઈ હતી. આ અંગે ચેતનભાઈ ગોંડલીયા અને જીજ્ઞેશભાઈ ગોંડલીયાએ ચેરીટી કમિશનરમાં પીટીશન દાખલ કર્યુ હતું, જેમાંથી તેમને આગામી 25 નવેમ્બર 2025 સુધી ચૂંટણી પર સ્ટે મળ્યો છે. આક્ષેપ મુજબ છેલ્લા 39 વર્ષથી કોઈપણ ટ્રસ્ટી પીટીઆરમાં નોંધાયેલા નથી અને છેલ્લા 15 વર્ષથી મુકેશભાઈ મંગળદાસ દેસાણી, રાજુભાઈ શામળદાસ દેસાણી અને પ્રદ્યુમનભાઈ દેસાણી સહિત કેટલાક સભ્યો એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. આ કમિટીના સભ્યોએ થોડા દિવસો પહેલા રાજીનામા આપ્યા હોવા છતાં 22-11-25ના રોજ વેરાવળ-સોમનાથ ખાતે ચૂંટણી યોજીને નવા પ્રમુખની નિમણૂંક કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. આ અંગે સ્ટે મળતા ચેતનભાઈએ સમગ્ર સાધુ સમાજને ચૂંટણીમાં હાજર ન રહેવા અપીલ કરી છે. આ લડતમાં ઉજેશભાઈ દેસાણી, ઇશ્વરદાસ દેસાણી, મુકેશભાઈ મેસ્વાણીયા, તુષારભાઈ દાણધારીયા, વિમલભાઈ ગોંડલીયા, સચિનભાઈ ગોંડલીયા, રાજુભાઈ કાપડી, રાજેશભાઈ કાપડી, બાલકૃષ્ણભાઈ ગોંડલીયા, નિલેષભાઈ દાણધારીયા અને શૈલેષભાઈ દૂધરેજિયાએ સક્રિય સહયોગ આપ્યો છે.
ટ્રસ્ટની નોંધણી રાજકોટમાં પણ ચૂંટણી વેરાવળ સોમનાથ ખાતે શા માટે?
- Advertisement -
સમાચારપત્રમાં જાહેર સૂચન અનુસાર ચૂંટણીનું સ્થળ વેરાવળ સોમનાથના ડાભોર પેલેસ ફાર્મ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ટ્રસ્ટની નોંધણી રાજકોટમાં થયેલી હોય, ત્યારે બીજી જગ્યાએ ચૂંટણી યોજવાનો નિર્ણય પ્રશ્નાર્થ સર્જે છે. ટ્રસ્ટના હિતાધિકારીઓનું હિત જોખમાય તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિમાં બહાર પાડેલી ચૂંટણી જાહેરાત ટ્રસ્ટની નોંધણીના સ્થળ અને નિયમો મુજબ યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠ્યો છે.



