જૂનાગઢ મનપાનો હયાત ટાઉન હોલ સાચવી ન શક્યા હવે નવા ટાઉન હોલનું ટેન્ડર બહાર
રિનોવેશનના 5 વર્ષમાં જ ટાઉન હોલ ‘જોખમી’?
- Advertisement -
જૂનાગઢ મનપાના કરોડોના નવા ટેન્ડરથી વિપક્ષ લાલઘૂમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
ઐતિહાસિક નગરી જૂનાગઢમાં સુવિધાઓના નામે વિવાદોનો સિલસિલો યથાવત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉન હોલને અચાનક બંધ કરી દઈ, મજેવડી દરવાજા પાસે 43 કરોડથી વધુના ખર્ચે નવો અત્યાધુનિક ટાઉન હોલ બનાવવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. મનપાના આ નિર્ણયથી શહેરીજનો અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જે ટાઉન હોલ માત્ર થોડા ખર્ચમાં ચાલુ થઈ શકે તેમ છે, તેને બંધ રાખીને કરોડોના ખર્ચે નવો પ્રોજેક્ટ લાવવો એ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ છે. શહેરમાં આવેલો હયાત શામળદાસ ગાંધી ટાઉન હોલ વર્ષોથી સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું કેન્દ્ર રહ્યો છે. વર્ષ 2017માં જ મનપા દ્વારા અંદાજે 4 કરોડથી વધુના ખર્ચે આ ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, વર્ષ 2024માં આ ટાઉન હોલને ’જોખમી’ હોવાની શંકા દર્શાવી બંધ કરી દેવામાં આવ્યો. વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે જાણવા મળ્યું કે ટાઉન હોલ બંધ કરવાના થોડા સમય પહેલા જ તેમાં 80 લાખ રૂપિયાના ખર્ચે નવા એસી નાખવામાં આવ્યા હતા. એસી નાખ્યા બાદ તરત જ હોલ બંધ કરી દેવો અને તેની સ્ટેબિલિટી રિપોર્ટ માટે સુરતની એજન્સીને કામ સોંપવું, એ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. આશ્ચર્યની વાત એ છે કે સુરતની એજન્સીએ હજુ સુધી તેનો રિપોર્ટ પણ સોંપ્યો નથી, છતાં મનપાએ નવા ટાઉન હોલ માટે 43.24 કરોડનું ટેન્ડર બહાર પાડી દીધું છે. જૂનાગઢ શહેર અત્યારે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. રેલવે ફાટકોને કારણે દરરોજ હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાય છે. આ પરિસ્થિતિમાં વિપક્ષ નેતા લલિત પણસારાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ નજીક અંડરબ્રિજ બનાવવા માટે 21 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં, મનપા ગ્રાન્ટના અભાવે આ કામ શરૂ કરતી નથી. જોષીપરા રેલવે ફાટક પર બનતા બ્રિજમાં પણ ગ્રાન્ટના બહાને એચ આકારને બદલે એસ આકારની ડિઝાઇન કરી દેવામાં આવી, જેનાથી વાહનચાલકોને પૂરો લાભ મળશે નહીં. વૈભવ ફાટક કે ભૂતનાથ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂર છે. 43 કરોડ જેવી મોટી રકમમાં જૂનાગઢની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ શાસકોને જનતાની સુવિધા કરતા ’મલાઈ’ મળે તેવા મોટા પ્રોજેક્ટ્સમાં વધુ રસ છે. સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે જો 5-7 વર્ષ પહેલાં જ કરોડોના ખર્ચે રિનોવેશન થયું હોય, તો ટાઉન હોલ અત્યારે જર્જરિત કેવી રીતે થઈ શકે? શું રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો કે પછી નવો પ્રોજેક્ટ મંજૂર કરવા માટે જાણી જોઈને જૂના હોલને ’જોખમી’ જાહેર કરવામાં આવ્યો છે? જૂનાગઢમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આવા સમયે મનપા માત્ર શો-બાજી માટે કરોડોના આંધણ કરે તે કેટલું વ્યાજબી?
- Advertisement -
શહેરીજનોના સણસણતા સવાલો
શામળદાસ ગાંધી ટાઉન હોલને ફરીથી ચકાસી, જે પણ સામાન્ય રિપેરિંગ હોય તે કરાવીને તેને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ. 43 કરોડની આ માતબર રકમ ટાઉન હોલ પાછળ ખર્ચવાને બદલે શહેરના રેલવે ફાટકો પર બ્રિજ બનાવવા માટે વાપરવામાં આવે તો જૂનાગઢની જનતાને ખરા અર્થમાં રાહત મળશે. શાસકોએ ’વિકાસ’ના નામે માત્ર નવા બિલ્ડિંગો બનાવવાને બદલે જનતાની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ તેવો સૂર ઉઠ્યો છે.



