26 જાન્યુઆરી ભારતનો ગણતંત્ર દિવસ છે એ બધાને ખબર છે. પરંતુ એજ પવિત્રદિને ભારતનાં ઉત્તર-પૂર્વનાં જનજાતિય સમાજમાંથી એક નારીશક્તિનો ઉદય થયેલો. જેમની નેતૃત્વ ક્ષમતા, નિર્ભયતા અને તેજસ્વીતા સામે અંગ્રેજો પણ એમનાથી ડરતા.
– પંકજ રાવલ
સ્વતંત્રતા સંગ્રામમાં એમનાં અમુલ્ય યોગદાન બદલ સ્વતંત્રતા સેનાની તામ્રપત્ર 1972, પદ્મભુષણ સન્માન 1982, વિવેકાનંદ સેવા સન્માન 1983, બિરસા મુન્ડા પુરસ્કાર 1996 જેવા સન્માનોથી જેમને સન્માનવામાં આવ્યા એવા રાની ગાઇદિનલ્યુની વિરગાથાની વાત આજે કરવી છે.
- Advertisement -
26મી જાન્યુઆરી,1915નાં રોજ ઉત્તર-પૂર્વનાં મણીપુર રાજયનાં પહાડીક્ષેત્રમાં આવેલા નંગુકાઓ ગામમાં રોંગમેઇ જનજાતિય પરિવારમાં એમનો જન્મ.પિતા લોથોનાંગ અને માતા કેલુવત્ત લિથનલ્યુની આ દિકરી નાનપણથી જ સ્વતંત્ર અને સ્વાભિમાની સ્વભાવનાં હતા. સામાજિકરુપે પછાત જાતિમાં લાલન-પાલન થવાનાં કારણે કોઇપણ શિક્ષાથી વંચિત આ મહિલા સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રેસર રહ્યા.ભારતની પ્રસિદ્ધ મહિલા ક્રાંતિકારીઓમાંના તેઓ એક હતા.ઉત્ત-પુર્વ ભારતનાં નાગાલેન્ડને પોતાની ક્રાંતિકારી ગતિવિધીનું કેન્દ્ર બનાવનાર ’ગાઇદિનલ્યુ’ નાં નામનો અર્થ ’સારો માર્ગ પ્રશસ્ત કરનારા’ એવો થાય.ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની માફક જ એમની વિરવૃત્તિનાં કારણોસર સ્થાનિક લોકો એમને ’નાગાલેન્ડની રાણી લક્ષ્મીબાઇ ’ તરિકે ઓળખતા અને ’રાનિમાં’નાં હુલામણાં નામથી લોકો એમને બોલાવતા.એમના નામનાં અર્થ પ્રમાણે જ ધર્મ-સંસ્કૃતિની રક્ષા કાજ અને સમાજને ઉચિત માર્ગ પ્રશસ્ત કરતા એમણે એમનું સમગ્ર જીવન આહુત કરી દીધું.અંગ્રેજોનાં છળ-કપટ અને કુટીલ નિતિઓ સામે તેઓ લડ્યા , અસહ્ય યાતનાઓ સહન કરી અને શારિરીક-માનસિક અને બૌદ્ધિક સ્તરે તેઓ જીવનભર લડ્યા.
રાનીમાંએ અંગ્રેજો વિરુદ્ધ સંયુકત નાગ જનજાતિનો એક મોરચો બનાવી તેજસ્વીતા અને નિર્ભયતાથી લડયા, આ જોઇ લોકો એમને સર્વશક્તિમાન દેવિ તરીકે માનવા લાગ્યા: નાની ઉંમરમાં ચાર હજાર શસ્ત્ર નાગ લડવૈયાઓને લડાયક નેતૃત્વ પુરુ પાડી ગેરિલાયુદ્ધ અને સફળ શસ્ત્ર સંચાલન કલાથી અંગ્રેજોને હંફાવ્યા.
ઉત્તર-પૂર્વની નાગ જનજાતિમાં સ્વતંત્રતા આંદોલનની આહેલક જગાવનારા નેતા જાદોનાંગને અંગ્રેજોએ 29 ઓગસ્ટ,1931નાં રોજ ફાંસી આપી. 16 વર્ષની નાની ઉંમરે આ આંદોલનનું નેતૃત્વ ગાઇદિનલ્યુએ સંભાળ્યુ અને જાદોનાંગનાં અધુરા કાર્યો પુર્ણ કરવાનું બિડુ ઝડપ્યુ.સતત લોકોની વચ્ચે જ રહી નાગજાતિનાં વિવિધ કબિલાઓમાં એકતા સ્થાપી એમનામાં સ્વતંત્રતાની આગ પ્રજ્જવલીત કરી.મહાત્મા ગાંધીનાં પગલે ચાલી અંગ્રેજોને કોઇપણ કર આપવાનો ઇન્કાર કર્યો. અંગ્રેજો વિરુદ્ધ સંયુકત નાગ જનજાતિનો એક મોરચો બનાવી તેજસ્વીતા અને નિર્ભયતાથી લડયા. આ જોઇ લોકો એમને સર્વશક્તિમાન દેવિ તરીકે માનવા લાગ્યા. નાની ઉંમરમાં ચાર હજાર શસ્ત્ર નાગ લડવૈયાઓને લડાયક નેતૃત્વ પુરુ પાડી ગેરિલાયુદ્ધ અને સફળ શસ્ત્ર સંચાલન કલાથી અંગ્રેજોને હંફાવ્યા.
જ્યારે એમને અંગ્રેજોએ ગિરફતાર કર્યા ત્યારે એમની કમરમાં એક મજબુત રસ્સી બાંધી એમને લઇ જવામાં આવ્યા , બીજા દિવસે એમનાં નાન ભાઇને ક્રુરતાથી માર મારવામાં આવ્યો , ધરપકડ કરાયેલા રાનિમાંને કપડા ઉતારી કડકડતી ઠંડીમાં ખુલ્લા ઉભા રાખવામાં આવ્યા.પરંતુ આવી અસહ્ય યાતનાઓ સામે ઝુક્યા વગર ધીરજપૂર્વક એનો સામનો કર્યો.ઇ.સ.1932 થી 1947 સુધી એમને જેલમાં કેદ રખાયા.1937 માં જવાહરલાલ નહેરુએ એમની આસામ યાત્રા સમયે એમની વિરગાથા સાંભળી એમને જેલમાં મળવા ગયા.અલીપરનાં કોંગ્રેસ અધીવેશનમાં એમને મુકત કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો.1935 માં પ્રાંતિય સ્વશાસન લાગુ થયા બાદ ઘણાં રાજકીય મહિલા અને પુરુષ કેદીઓને છોડાયા.પરંતુ ગાઇદિનલ્યુને તો સ્વતંત્રતા મલ્યા પછી જ જેલમુકત કરાયા ત્યારે નાગાલેન્ડમાં એમનું અદભુત સ્વાગત થયું.ત્યારપછીનો સમય એમનાં જનજાતિય કબિલાઓની સામજિક અને રાજકીય સમસ્યાઓનાં સમાધાન માટે વિતાવ્યો.પુર્વાંચલને અલગ ભારતથી અલગક્ષેત્ર બનાવવાની માંગ કરનારા અલગાવવાદીઓનો એમણે હંમેશા વિરોધ કરી અંતમાં આ ક્ષેત્રને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવામાં મહત્વપૂર્ણ યોદાન આપનારા ગાઇદિનલ્યુનું 1993માં એમનું નિધન થયું.
- Advertisement -
રાનીમાં એક મહાન સ્વતંત્રતા સેનાની હતા તો ભારતીય સનાતન સંસ્કૃતિનાં એક સજગ પ્રહરી હતા.આજીવન ઉત્તર-પૂર્વી ભારતમાં ભારતીય સંસ્કૃતિની રક્ષા નિમિત્ત સમાજને પ્રેરિત કરતા રહ્યા પરિણામ સ્વરુપ ત્યાંનો એક જનસામાન્ય ભારત અને ભારતીય સંસ્કૃત્તિ સાથે એક અતુટ બંધનથી જોડાયો.આજ સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે રાનિ ગાઇદિનલ્યુની વિરતા-સાહસ અને બલીદાનનું પૂન:સ્મરણ આવનારી અને આજની યુવાપેઢીને નિરંતર પ્રેરણા અને ગૌરવ અપાવશે જ.