ખેતરોમાં પાણી ભરાતા કપાસ મગફળી જેવા પાકો લગભગ નષ્ટ થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 4 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ હતી જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં 4 સપ્ટેમ્બરથી જ વરસાદ શરૂ થયો હતો. જેમાં 5 સપ્ટેમ્બરથી દરરોજ અવિરત વરસાદને લીધે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની પણ વિગતો સામે આવી હતી. આ સાથે સતત ત્રણ દિવસ સુધી અવિરત વરસાદને લીધે નદી, નાળા અને તળાવોમાં પાણીની સપાટી ઉપર આવી હતી. આ તરફ વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મૂળી, પાટડી, થાનગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ અને મગફળીના પાકને વરસાદને લીધે મોટું નુકશાન થયું હતું કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન હોવાથી કપાસના પાક પર આવેલા ઝીંડવા ખારી પડ્યા હતા. જ્યારે ખેડૂતોને મગફળી પાકી જવાનો સમય નજીક હતો તેવા સમયે જ વરસાદ શરૂ થતા પાકને નુકશાની થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યારે ખેડૂતોના તૈયાર થઈ ચૂકેલા પાકને કુદરતે છીનવી લેતા હવે મારી નુકશાની થવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે શહેરી વિસ્તારમાં અનેક નીચાણવાળા રહેણાકોમાં પાણી ભરાતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી. ત્યારે સામાન્ય કરતા વધુ વરસાદ થવાના લીધે ઝાલાવાડમાં કેટલીક જગ્યાએ નુકશાની સર્જી છે.
- Advertisement -
અવિરત વરસાદને લીધે જનજીવન ખોરવાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના લીધે નાના શ્રમિકોના કામ ધંધા બંધ પડ્યા હતા જ્યારે નદી કાંઠે આવતા ગામોમાં પાણી ભરાયા હતા જેના લીધે ગૃહિણીઓને અને બાળકોને સ્કૂલે જવા માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું જેથી કેટલાક અંશે જનજીવન ખોરવાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જર્જરિત મકાનો ધરાશાઈ થયા
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે અનેક જર્જરિત મકાનો અને વૃક્ષો ધરાશાઈ થયા હતા જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થવાની વિગત સામે આવી નથી પરંતુ કેટલાક ઝૂંપડામાં રહેતા ગરીબ અને શ્રમિકોને વરસાદના લીધે ત્રણ દિવસથી ઘરનો ચૂલો ઠંડો પડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સંગ્રહના મોટા સ્ત્રોત 90% ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસથી અવિરત વરસાદને લીધે નદી, નાળા, તળાવો અને ડેમમાં સતત પાણીની આવક વધવા લાગતા જળાશયો પાણીથી છલોછલ ભરાયા હતા ખાસ કરીને જિલ્લાના મોટાભાગે તમામ ડેમો 90 ટકા સુધી પાણીથી ભરાતા હવે જો વધુ વરસાદ થાય તો ડેમના પાટિયા ખોલવાની તાકીદ કરાઈ હતી.