ભગવાન શિવ પ્રત્યે પોતાની અતુટ શ્રદ્ધા રાખવાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. કોઈ ઉપવાસ રાખતું હોય છે તો કોઈ ભક્તિ અને પૂજાથી ભગવાનની અરાધના કરતું હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઉપવાસ રાખવામાં ઘણીવાર બિમાર પણ પડી જવાતું હોય છે. ત્યારે જો તમે પણ શ્રાવણ માસના ઉપવાસ કરો છો તે ખાવા-પીવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો તમે પણ બિમાર પડી શકો છો. તે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની અમે આપને આજે વાત કરીશું.
શ્રાવણના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે. આવી સ્થિતિમાં, જેઓ પ્રથમ વખત આ ઉપવાસ શરૂ કરી રહ્યા છે, તેઓને આ ઉપવાસ કેવી રીતે શરૂ કરવો તે સમજાતું નથી. ઉપવાસ તમે કેવી રીતે કરી શકો છો તે તમારા વિશ્વાસ અને આરોગ્ય પર આધારિત છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શ્રાવણ ઉપવાસ દરમિયાન તમે શું ખાઈ શકો છો અને કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ?
- Advertisement -
શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ખાઓ
જ્યુસ: જ્યુસ એનર્જી આપે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળે છે. તો જ્યૂસ, લીંબુ પાણી, નાળિયેર પાણીથી દિવસની શરૂઆત કરો. તેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ઉપરાંત, તેનું સેવન કરવાથી, તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો.
- Advertisement -
સૂકો મેવો: સૂકો મેવો નબળાઈથી બચાવશે. ઉપવાસ દરમિયાન, તમારે કોઈપણ સમયે આહારમાં મુઠ્ઠીભર સુકા મેવાનો સમાવેશ કરવો આવશ્યક છે. આની મદદથી તમે શરીરને નબળું બનાવવાથી બચાવી શકાય છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. સુકો મેવો ખાવાથી શરીરને ઉર્જા મળે છે.
ફળો: ફળો ડીહાઇડ્રેશનથી બચાવે છે. લોકો લગભગ તમામ ઉપવાસમાં ફળોનું સેવન કરે છે. તે જ રીતે, તમે શ્રાવણમાં ફળોનો જ્યુસ પણ પી શકો છો. ફળોમાં તમે કેળા, સફરજન, નારંગી, દાડમ જેવા ફળો ખાઈ શકો છો. આની મદદથી તમે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે.
કટ્ટુનો લોટ: જો ઉપવાસના સમયે તમે માત્ર એક જ ટાઈમે ફળાહાર ખાવ છો, તો કટ્ટુના લોટને પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો. તે ભારતમાં બહુ ઓછા સ્થળોએ ઉગાડવામાં આવે છે. તે મોટાભાગે હિમાલયના વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણમાં નીલગિરિસ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં થાય છે. ભારતમાં તેનો ઉપયોગ ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી વાનગીઓ જ કરવામાં આવે છે.
સાબુદાણા: સાબુદાણામાં સ્ટાર્ચ વધારે હોવાના કારણે તે ઉપવાસ દરમિયાન તાકાત આપે છે. 100 ગ્રામ સાબુદાણામાં લગભગ 94 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 0.2 ગ્રામ પ્રોટીન, 0.5 ગ્રામ ડાયટરી ફાઇબર 100 mg કેલ્શિયમ, 1.2 mg આઇરન હોય છે.સાબુદાણાની વાનગી બનાવવા સમયે તેમાં તેલનું પ્રમાણ ખુબ જ ઓછું હોવું જોઈએ. તેનું કારણ એ છે કે, સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી સાબુદાણા તેલને શોષી લે છે. તેમાં શક્તિ તો મળશે પરંતુ સાથે પેટ ફૂલવાની સમસ્યા અને આળસ પણ આવી શકે છે.
રાજગરો: જે લોકોને પોતાના આહારમાં પ્રોટીનની જરૂર હોય છે તેમણે રાજગરાનું સેવન કરવું જોઈએ. રાજગરાનો છોડ એક પ્રકારના ફૂલ જેવો હોય છે. તાજેતરના સંશોધનને કારણે તેને અનાજની કેટેગરીમાં ઉમેરવામાં આવ્યું છે અને સુપર-ગ્રેન કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એક કપ રાજગરામાં 46 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 5 ગ્રામ ફાઇબર હોય છે. સાથે સાથે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ, આઇરન, ફોલેટ અને સેલેનિયમ જેવા મિનરલ્સ મોજૂદ હોય છે. વધુમાં તે ગ્લુટેન ફ્રી હોય છે જે તાકાત આપે છે અને વજન પણ વધારતો નથી.
મખાના : જો તમને નાસ્તા જેવું કંઈ ખાવું ગમતું હોય, તો તમે મખાનાને દિવસમાં ચાર વાર ખાઈ શકો છો. મખાના ખુબ જ હળવો નાસ્તો છે અને સંશોધન મુજબ તે લોહીમાં શુગર લેવલને સુધારવામાં મદદ કરી શકે છે. મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સાથે સાથે તેમાં કાર્બ્સ પણ હોય છે, જે તાકાત આપે છે. મખાનામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આઇરન હોય છે, આપણને તાકાત આપે છે.
શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ન ખાઓ
સવારે ખાલી પેટે ચા
સવારે ખાલી પેટ ચા ન પીવી. તમે ગમે તેટલા ઉપવાસ કરો, તમારે સવારની શરૂઆત ચાથી ન કરવી જોઈએ. તમારે આખો દિવસ હળવો ખોરાક લેવો પડશે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે. આનાથી તમને ઉપવાસ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
ખાલી પેટ ન રહો
ઉપવાસમાં ભૂખ્યા અથવા ખાલી પેટ રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉલટી પણ થઇ શકે છે. ચોમાસાની સીઝનમાં અને શ્રાવણમાં તમારે તમારા ખાવા -પીવાની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેથી સમય સમય પર કંઈક ખાતા રહો.
ઓછું તળેલું ખાઓ
વ્રત દરમિયાન ઘણા લોકો તળેલું ખાતા હોય છે. પરંતુ, તમારે શ્રાવણના સોમવારે આ કરવાનું ટાળવું જોઈએ. વરસાદમાં પાચક તંત્ર ખૂબ નબળું પડે છે. આવી સ્થિતિમાં તમારે વધુ તળેલી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. ખાસ કરીને ઉપવાસ દરમિયાન આવી ચીજો હાર્ટબર્ન, ગેસ અને પાણીનો અભાવ પેદા કરી શકે છે.