વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે રહેવા-જમવાની સુવિધા મળશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક રૂ. 5.12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સરકારી કુમાર છાત્રાલયનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અધ્યતન છાત્રાલય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડશે.
- Advertisement -
આ છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. તેને અધ્યતન સુવિધાઓ જેવી કે વિશાળ અને હવાઉજાસવાળા રૂમ, સ્વચ્છ ભોજનકક્ષ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને શાંત અભ્યાસ વાતાવરણથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સરકારી કુમાર છાત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશે. શહેરના કેન્દ્રીય સ્થળે રહીને, વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવી સુવિધાની ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મદદ મળશે.



