જૂનાગઢ કૃષિ યુનિ.થી બહાઉદ્દીન કોલેજ સુધી ત્રિરંગા રેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાએ સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. ડો. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં દેશ હિતમાં કામ કરવા અને સરકાર ચલાવવા બંધારણ બનાવવામાં આવ્યું હતું. 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી. આ દરમિયાન દેશભરમાં અશાંતિ,અરાજકતા વ્યાપી ગઈ હતી.આ સમયે દેશહિતમાં કામ કરનાર પક્ષ, લોકો, મીડિયાને જેલહવાલે કરવામાં આવતા હતા. પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી આજની અને આગામી પેઢી બંધારણની શક્તિ શું છે, કટોકટી દરમિયાન દેશની સ્થિતિ શુ હતી એ જાણે એ માટે દર વર્ષે 25 જુનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ છે.
- Advertisement -
કાર્યક્રમ બાદ બેન્ડની સુરાવલી વચ્ચે કૃષિ યુનિ.ના સરદાર પટેલ સભા ગૃહ ખાતેથી ત્રિરંગા રેલીને મહાનુભવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ ત્રીરંગા રેલી બહાઉદીન કોલેજ સુધી યોજાઈ હતી. ત્યાર બાદ બહાઉદીન કોલેજ ના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પોલીસના જવાનો, મ્યુ.કોર્પોરેશન, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો એનસીસી કેડેટ્સ, અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. જયારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશ પોશિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, ચેરમેન પલ્લવીબેન ઠાકર સહીત ઉપસ્થિત રહ્યા હતા. જયારે કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર જૂનાગઢના મહેન્દ્રસિંહ પઢિયારે આ તકે કટોકટી શું હતી, ગુજરાત અને જૂનાગઢમાં બનેલ ઘટનાનો ચિતાર આપ્યો હતો. તેમજ કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર જૂનાગઢ જિલ્લાના મહેન્દ્રસિંહ પઢિયાર, સુખદેવસિંહ, નાથાભાઈ મોરીનું મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ જેલવાસ ભોગવનાર મહેન્દ્રભાઈ મશરૂ, માર્કેંડભાઈ ભટ્ટ, લાલવાણીભાઈ તેમજ મિશા હેઠળ જેલવાસ ભોગવેલ દેશભક્તોનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું.