રાજકોટ ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે વજુભાઈ વાળાનું નિવેદન: ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ વિકેટો પડવાની છે
ખાસ-ખબર સંવાદદાતા
ગઈ કાલે અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ ફરી લોકસભા ચૂંટણીના કાર્યમાં સક્રિય બની ગયો છે. આજે રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તમામ 26 લોકસભા બેઠક પર ઉમેદવાર પસંદગી નથી થવા પામી એ પહેલા ભાજપના નિશાન કમળને ઉમેદવાર બનાવી તમામ 26 બેઠક પર ભાજપને 5 લાખની જંગી લીડ સાથે જીતાડવાના નારા સાથે કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સમયે કાર્યકર્તા સાચું બળ હોવાનું કહી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા છીએ અને હજુ વિકેટો પડવાની છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું સામાન્ય કાર્યકર હતો, છું અને રહીશ. 1967માં ચીમનભાઈ શુક્લ એકમાત્ર ધારાસભ્ય હતા. લોકસભામાં માત્ર 2 સાંસદ સભ્ય હતા. આજે ગુજરાત વિધાનસભામાં આપણે 1માંથી 156 પહોંચી ચૂક્યા છીએ અને હજુ કેટલીક વિકેટો ખડવાની છે. કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવાના છીએ. લોકસભામાં 2 સાંસદ હતા જેમાં એક એ.કે. પટેલ અને બીજા આંધ્ર પ્રદેશમાંથી હતા. આજે 2માંથી 303 સુધી પહોંચી ગયા છીએ અને હવે 373 પહોંચી જઈશું, આપણે બધા મળીને કરવાના છીએ. પણ આ આપણા કાર્યકર્તાની તાકાત છે. કાર્યકર્તા વગર આ શક્ય નથી. કાર્યકર્તા સંઘર્ષમય પરિસ્થિતિની અંદર પણ જીવતો હતો.
- Advertisement -
ગુજરાતનાં 26 કમળ આપણે દિલ્હી મોકલવાનાં છે: ડૉ. ભરત બોઘરા
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, ભાજપે આ વર્ષે 3 વખત દિવાળી મનાવવાનો સંકલ્પ કર્યો હતો. બે વખત દિવાળી મનાવી લીધી છે. ગઈકાલે બીજી દિવાળી મનાવ્યા બાદ હવે મેં મહિનાના લોકસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતાડી ત્રીજી વખત વડાપ્રધાન બનાવી ત્રીજી વખત દિવાળી મનાવવાની છે. ઉમેદવાર કોઈ પણ હોય આપણે બધાએ સાથે મળી 5 લાખની જંગી લીડ સાથે ગુજરાતના 26 કમળ આપણે દિલ્હી મોકલવાના છે.

રાજકોટ લોકસભા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું
આજે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજે રાજકોટ લોકસભાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ મહિલા ભાજપ અધ્યક્ષ દિપીકાબેન સરડવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ બેઠકના પ્રભારી આર.સી.ફળદુ સહીત ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ શહેર જિલ્લા ભાજપના હોદેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


