ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ ભગવાન શિવના પાવન ધરતી ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં તહેવારોએ ભાવિકો પિતૃતર્પણ અને સ્નાન માટે મોટી સંખ્યામાં ઉમટે છે. આ પવિત્ર તળાવમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ઢીલી તંત્રવ્યવસ્થા સામે નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. આ પરિસ્થિતિના વિરોધરૂપે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિએ અનોખી રીત અપનાવી હતી.
કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોષીની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, ધારાસભ્ય, સાંસદ સહિતના તમામ મુખ્ય તંત્રાધિકારીઓને 20 જુલાઈ, રવિવારે દામોદર કુંડમાં “સ્નાન માટે” આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણનું ઉદ્દેશ સ્પષ્ટ હતો જ્યાં દરરોજ હજારો નાગરિકો શ્રદ્ધાથી પવિત્ર સ્નાન કરે છે, ત્યાં તંત્રના અધિકારીઓ પણ આવી પવિત્રતા અનુભવે. પરંતુ આશ્ચર્યજનક રીતે કોઈપણ અધિકારી કુંડ ખાતે હાજર રહ્યા નહિ. જેના પગલે કોંગ્રેસ પ્રમુખે તંત્ર ઉપર ભ્રષ્ટાચાર અને તાનાશાહીનો આક્ષેપ કર્યો હતો. મનોજ જોષીએ કહ્યું કે, જ્યારે લોકોને અહીં દરરોજ સ્નાન કરવું પડે છે, ત્યારે તંત્રના અધિકારીઓ અહીંયા પગ મુકતા પણ ડરે છે એ તંત્રની નિષ્ફળતા નથી તો બીજું શું? દામોદર કુંડની સફાઈ, વ્યવસ્થાપન અને જળની ગુણવત્તા માટે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ સાથે હવે સ્થાનિક તંત્ર સામે અવાજ ઉઠી રહ્યો છે. વળી, આવનારા પર્વોમાં ભક્તોની ભીડ વધતી હોઈ, તંત્રે સમયસર જાગવું જોઈએ તેવી માગ ઉઠી છે.