પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં રેલી; 18% વ્યાજ વેરા વધારાનો ઉગ્ર વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
- Advertisement -
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નાગરિકો પર લાદવામાં આવેલા ઊંચા ટેક્સ અને શહેરના બિસ્માર રસ્તાઓને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યા બાદ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચી ઘેરાવો કર્યો હતો.
હાથમાં બેનર લઈને આવેલા કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરી સામે “સાવરકુંડલા નગરપાલિકાના ટેક્સ માફ કરો” અને “ખાડા પૂરો” જેવા સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પાલિકાના 18% વ્યાજ વેરા વધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીયકૃત બેંકો 9%ના દરે વ્યાજ લે છે, જ્યારે નગરપાલિકા 18% વ્યાજ વેરો વધારી રહી છે, જે અન્યાયી છે. આ મામલે તેમણે નગરપાલિકાના ઇન્ચાર્જને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક ટેક્સ માફી અને રસ્તાઓનું સમારકામ કરવાની રજૂઆત કરી હતી.
આગામી સમયમાં જો રસ્તાના ખાડા પૂરવામાં નહીં આવે અને નાગરિકોની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય, તો કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને નગરપાલિકા પર કાર્યવાહી કરવા માટે દબાણ વધ્યું છે.