ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ પક્ષમાં હવે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટેનું જાહેરનામું તા. 22 સપ્ટેમ્બરના રોજ બહાર પડનાર છે અને તા. 24 સપ્ટેમ્બરથી ઉમેદવારી નોંધાવી શકશે તથા જો પક્ષમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે સ્પર્ધા થશે તો 17 ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન પોતે કોંગ્રેસ પક્ષનું સુકાન સંભાળવા માગતા નથી તેવો સંકેત આપી દીધો છે અને હવે તેથી ગાંધી કુટુંબમાંથી ફરી પક્ષનુંં નેતૃત્વ કરવા કોઇ આગળ આવશે કે કેમ તે વચ્ચે કોંગ્રેસની મતદાર યાદીના સર્જાયેલા વિવાદમાં હવે પાંચ સાંસદોએ આ ચૂંટણી નિષ્પક્ષ થશે કે કેમ તે પ્રશ્ન સર્જયો છે.
એક તબક્કે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મતદાર યાદી જાહેર કરવા જણાવ્યું હતું પરંતુ પક્ષના ચૂંટણી પ્રભારી મધુસુદન મિસ્ત્રીએ તેનો ઇન્કાર કરતાં હવે પક્ષના ત્રણ મોટા નેતાઓ અને સાંસદ શશી થરુર, મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમ સહિત પાંચ સાંસદોએ ફરી એક વખત શા માટે પક્ષ પોતાની જ મતદાર યાદી જાહેર કરવામાં ખચકાટ અનુભવે છે તે પ્રશ્ન પુછ્યો છે. એટલું જ નહીં મતદાર યાદી એ કોઇ ગુપ્ત કે આંતરિક દસ્તાવેજ નથી કે જેનો દુરુપયોગ થઇ શકે. આમ કોંગ્રેસમાં હવે અસંતુષ્ટ જૂથે મોટી લડાઈની તૈયારી કરી છે. એક સમયે કપિલ સિબ્બલ, ગુલાબ નબી આઝાદ જેવા પક્ષ છોડી રહ્યા છે તે સમયે ત્રણ સાંસદોએ પોતે ગાંધી કુટુંબ સામે મોટો પડકાર ઉભો કરવાની તૈયારી કરી છે.