નરેશ પટેલ સમાજના અભિપ્રાય અને સર્વે રીપોર્ટના આધારે જ રાજકીય પ્રવેશનો આખરી નિર્ણય લેશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાત વિધાનસભાના ચૂંટણી વર્ષમાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે ડિલ થઇ શકી નથી અને પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાનું નકારી કાઢયું છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે તેની અસર પડશે કે કેમ તે વિશે અટકળો વચ્ચે પાટીદાર નેતાએ એવો મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે કે આ ઘટનાક્રમની પોતાના રાજકીય નિર્ણય પણ કોઇ અસર નહીં થાય.
રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની પાર્ટીની ઓફર ફગાવી દીધા બાદ ખોડલધામના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ભલે કોંગ્રેસમાં સામેલ થવા ન હોય પરંતુ પોતાના રાજકીય નિર્ણય પર તેની કોઇ અસર નહીં થાય પોતે જે રાજકીય નિર્ણય લેવાનો છે તે લેશે જ અને તેમાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસની રદ્દ થયેલી ડિલની કોઇ અસર નહીં રહે. રાજકારણમાં સક્રિય થવા માટે સમાજનો અભિપ્રાય મેળવી રહેલા અને રાજકીય સર્વે કરાવી રહેલા નરેશ પટેલનું રાજકીય પ્લેટફોર્મ પ્રશાંત કિશોર જ તૈયાર કરવાના હોવાની ચર્ચા હતી.
પાટીદાર નેતાના નજીકના સુત્રોએ અગાઉ એવું સ્પષ્ટ કહ્યું હતું કે પ્રશાંત કિશોરના અભિપ્રાયના આધારે જ નરેશ પટેલ રાજકીય પ્રવેશનો નિર્ણય લેવાના છે. હવે પ્રશાંત કિશોર જ કોંગ્રેસમાં ન જોડાઇ તો નરેશ પટેલ જોડાશે કે કેમ તે વિશે ગઇકાલથી જ અટકળો શરૂ થઇ ગઇ હતી. પરંતુ હવે ખોડલધામના ચેરમેને એવું સ્પષ્ટ કહ્યું છે કે પોતાનો નિર્ણય પ્રશાંત કિશોરના ઘટનાક્રમ આધારીત નહીં હોય પોતે સ્વતંત્ર નિર્ણય
લેવાના છે.
- Advertisement -
જોકે ખોડલધામની રાજકીય કમીટીનો રિપોર્ટ તથા પ્રશાંત કિશોરના સર્વે રીપોર્ટ પોતાના નિર્ણયમાં ભાગ ભજવશે તે નિશ્ચીત છે. દરમ્યાન આજે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મંદિર ખાતે યોજાઇ છે. તેના પર પણ મીટ માંડવામાં આવી રહી છે. આજની બેઠકના એજન્ડામાં ધર્મસભાનો સમય નકકી કરવાની બાબત મુખ્ય હોવા છતાં કોઇ રાજકીય ચર્ચા થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી છે. ટ્રસ્ટી મંડળની બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા નહીં થવાનું નરેશ પટેલે સ્પષ્ટ કર્યુ હતું. ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરીયાએ પણ એવું કહ્યું હતું કે આજની બેઠકમાં કોઇ ખાસ એજન્ડા નથી અને માત્ર ધર્મસભાના આયોજન તથા ખોડલધામની વિવિધ પ્રવૃતિઓની પ્રગતિ વિશે ચર્ચા થવાની છે.