53 ગામના જરૂરિયાતમંદ લોકોને મફતિયા પ્લોટની ફાળવણી કરવા રજૂઆત
ભાજપ સરકાર પાસે ઉદ્યોગપતિઓને ટોકન ભાવે દેવા માટે પ્લોટ છે પરંતુ જરૂરિયાતમંદો માટે નથી: ધારાસભ્ય વિમલ ચુડાસમા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે વેરાવળના 53 ગામના 220 લોકોની અરજીઓના પોટલા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોચ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને મફતિયા પ્લોટની ફાળવણી કરવા રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફતિયા પ્લોટની યોજના અમલમાં છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને પ્લોટ મળી રહે તેવા હેતુસર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને પ્લોટની જરૂરિયાત હોય તેવા લોકોએ ધારાસભ્યના કાર્યાલયથી રેલી યોજી તાલુકા પંચાયત કચેરી ખાતે 220 ફોર્મ સુપ્રત કર્યા હતા.ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે 53 ગામના પ્રવાસ દરમિયાન ફોર્મ ભરાવ્યા છે જે ખરેખર તાલુકા પંચાયતનું કામ છે.ગરીબોને પ્લોટ ફાળવવા તેમણે ફોર્મ ભરાવવાના હોય છે જે તેઓ દ્વારા અરજદારોના ફોર્મ ભરાવવામાં આવ્યા નથી.આ સિવાય અવાર નવાર લેન્ડ કિમિટીની મિટિંગમાં પણ જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું છે ત્યારે જવાબદારો દ્વારા કોઈ ફોર્મ ભરવા તૈયાર નથી તેવું કહેવામાં આવતું હતું.ત્યારે આવા 220 જરૂરિયાતમંદો જણાઈ આવતા તેમના ફોર્મ ભરાવી અને તાલુકા પંચાયત ખાતે મુખ્ય અધિકારીને સુપ્રત કરેલ છે.ઉપરાંત વહેલી તકે સર્વે કરી પ્લોટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે.તેમણે ભાજપને આડેહાથ લેતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાસે ઉદ્યોગપતિઓને ટોકન ભાવે પ્લોટ આપવા માટે છે પરંતુ આ લોકોને સર્વે કરી પ્લોટ આપવામાં આવતા નથી.ત્યારે આગામી દિવસોમાં આ અરજીઓનો સર્વે કરી લેન્ડ કમિટી અને સંબંધિત જગ્યાઓએ મોકલવામાં આવશે તેવી ખાતરી તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા અપાઈ છે.



