ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
ગઊઊઝ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસે દેશમાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે મોટાપાયે દેખાવો કર્યા હતા. આ દેખાવોમાં પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય પણ જોડાયા હતા. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા. પોલીસે સજ્જડ દેખાવોનું નેતૃત્વ કરવા બદલ તેમની અટકાયત કરી હતી.
- Advertisement -
કોંગ્રેસ નેતા અજય રાયે આરોપ મૂક્યો કે પરીક્ષામાં ટેક્નિકલ ગરબડ થઈ છે. અયોગ્ય સાધનોનો પણ ઉપયોગ કરાયો છે. ભાજપ શાસિત યુપી, બિહાર, ગુજરાત તથા હરિયાણામાં નીટની પરીક્ષામાં ગરબડ કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેનાથી સંપૂર્ણ પરીક્ષા જ આશંકાઓ વચ્ચે ઘેરાઈ છે. ભાજપ શાસિત રાજ્યોમાં યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે. અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.
ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે : પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના ધરખમ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ મારફતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં છેલ્લાં 5 વર્ષોમાં 43 ભરતી પરીક્ષાના પેપર લીક થયા. ભાજપ રાજમાં પેપર લીક આપણા દેશ માટે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે જેણે અત્યાર સુધી કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. સૌથી વધુ યુવા વસતી આપણી પાસે છે. ભાજપની સરકાર આપણા આ યુવાઓને કુશળ અને સક્ષમ બનાવવાની જગ્યાએ તેમને નબળાં બનાવી રહી છે. ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે.