જૂનાગઢમાં રસ્તાઓ બિસ્માર અને ધૂળથી શહેરીજનો ત્રાહિમામ
ચોમાસાએ હવે વિદાય લીધી છે ત્યારે લોકોને સારા રસ્તાઓ આપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે, જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ઉડતી ધૂળની ડમરીઓ હવે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ મેદાનમાં ઉતરીને સહી ઝુંબેશ શરૂ કરી છે. શહેરમાં હજુ પણ અનેક મુખ્ય માર્ગો પર ફરીથી ખોદકામ શરૂ થતાં રસ્તાઓની મુશ્કેલીઓ વધી છે. વરસાદે વિરામ લીધા બાદ હવે જર્જરિત અને ખોદાયેલા રસ્તાઓ પરથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, અને ઉડતી ધૂળના કારણે શ્વાસ સંબંધી બીમારીઓનું જોખમ વધી ગયું છે. લોકોનું કહેવું છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આટલી ખરાબ હાલત હોવા છતાં તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવતા નથી. જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 20,000 સહીઓ સાથે કમિશ્નરને આવેદન અપાશે અને શહેર કોંગ્રેસ સમિતિએ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીના રસ્તાઓનું નવીનીકરણ તાત્કાલિક થાય તે માટે આક્રમક વલણ અપનાવ્યું છે.
શહેર કોંગ્રેસ દ્વારા જૂનાગઢનાં નાગરિકોની ઓછામાં ઓછી 20 હજાર સહીઓ એકત્રિત કરીને તેનું આવેદનપત્ર મહાનગરપાલિકાના કમિશ્નરને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાન આજરોજ શહેર કોંગ્રેસ ભવન ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું. આગામી 4 દિવસ સુધી શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આ સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. આજરોજ સહી ઝુંબેશના પ્રથમ દિવસે શહેરીજનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને શહેરના બિસ્માર રસ્તાઓ અને ધૂળિયા રોડની સમસ્યા વિષે સહી કરીને તંત્ર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઝુંબેશમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ ભીખાભાઇ જોશી, અમિત પટેલ સહિત કોંગ્રેસના મહિલા આગેવાનો અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ સહી ઝુંબેશ થકી મહાનગર પાલિકા પર દબાણ લાવીને શહેરના રસ્તાઓની તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે અને લોકોને સારા રસ્તાઓની સુવિધા આપવામાં આવે, તે મુખ્ય માંગ છે.
જૂનાગઢ શહેરમાં હજુ ખાડાં ખોદવાના કામ ખૂટતાં જ નથી
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ગેસની લાઇનના કામ ખુટતા જ નથી. તેવુ જોવા મળી રહ્યું છે. હજુ પણ અનેક વિસ્તારમાં ફરીથી ખોદકામ કરી ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન સહિત ખોદકામ કામગીરી જોવા મળી છે. જેને લીધે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ જે રસ્તા ઉપર પેચ વર્ક કર્યા હતા તે પણ તૂટી ગયા છે અને ફરી તેના પર પેચવર્ક કામગીરી શરૂ કરતા લોકોને આશ્ર્ચર્ય થઇ રહ્યું છે. જ્યારે શહેરના રેલવે સ્ટેશનથી ગાંધી ચોક રસ્તા પર કરેલા પેચવર્કને તોડી ફરીવાર પેચવર્ક કરવામાટે રસ્તો બંધ કરવામાં આવતા એકસાઇડના રસ્તા પર દિવસભર ટ્રાફીકજામ જોવા મળ્યો હતો. જયારે આગામી સમયમાં તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે લોકોને સારા રસ્તા મળે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.