તાત્કાલિક નિર્ણય નહીં લેવાતા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચિમકી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા શૈક્ષણિક વર્ષમાં અલગ અલગ વિષયોમાં પીએચડીની ચોકકચ જગ્યાઓમાં હાલ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાવવામાં આવી ના હોવાથી પીએચડીમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. યુજીસીના નિયમ પ્રમાણે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી રજીસ્ટેશન કરવાનું થતું હોય છે. જેમાં પ્રવેશ પરીક્ષાની જાહેરાત બાદ 15-20 દિવસ ડી.આર.સી (એમ.સી.કયું.પરીક્ષા) પહેલા વિદ્યાર્થીઓને આપવા પડે છે, બાદમાં આરડીસી માટે 15-20 દિવસ વિદ્યાર્થીઓને આપવા પડે છે. ત્યારબાદ મેરીટ લિસ્ટ જાહેર થતું હોય છે. આ રીતે સમગ્ર પ્રક્રિયા માટે 45-5પ દિવસ થતા હોય ત્યારે થોડા સમય બાદ દિવાળીનું વેકેશન યુનિવર્સિટીમાં જાહેર થનાર છે. જેથી વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ વર્તાઈ રહી છે. રાજ્યની મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી કોઇ પ્રકારની પ્રવેશની હિલચાલ ન દેખાતા વિદ્યાર્થીઓ ચિંતામા મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2021માં 09/09/2021ના તેમજ 2022માં 1/07/2022 શરૂ થઈ ગઈ હતી. જેના બદલે આ વર્ષે હજુ સુધી કોઇ જાહેરાત પણ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓનું પારિવારિક જવાબદારીઓ અને પાબંધીઓના કારણે શૈક્ષણિક વર્ષ બગડે તો તેઓ પીએચડીથી વંચિત રહી જતા હોય છે અન્યથા વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ બગડે નહી તે ભીતીથી ના છૂટકે ખાનગી યુનિવર્સિટીઓમાં મોંઘીદાટ ફીઓ ભરી પ્રવેશ લેવા મજબૂર બનશે હાલ તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. આ તમામ બાબતો તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યના ધ્યાનમાં રાખી તાકીતે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ વતી કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપુત, યુવા કોંગ્રેસના મોહિલ ડવ, યુવા કોંગ્રેસના જીત સોની અને યશ ભીંડોરા સહિતનાઓએ માંગ કરી હતી અને કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી. તાત્કાલિક નિવેડો નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.