વોર્ડ નં. 5ના મંછાનગરમાં ગેરકાયદે ઓરડીઓ બાંધી ભાજપના કોર્પોરેટરોએ ભાડે આપી રહ્યા હોવાનો અતુલ રાજાણીનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
વોર્ડ નં. 5ના મંછાનગરમાં ગેરકાયદેસર ઓરડીઓ બાંધી ભાડે આપનાર ભાજપના કોર્પોરેટરો મળતીયાઓ સામે ફોજદારી ગુનો તેમજ એન્ટી લેન્ડગ્રેબિંગ ગુનો દાખલ કરવા અને આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ કરી છે.
રજૂઆત કરતાં મનપા કમિશરને જણાવ્યું છે કે મનીપાવર, મસલ્સ પાવર અને સત્તાના જોરે શાસક પક્ષના માંતેલા સાંઢ જેવા નગરસેવકો અને તેના પરિવાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી મકાન બનાવી વર્ષો સુધી તેની ભાડાની રકમ ગેરકાયદેસર રીતે ઉઘરાવવી એ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ હોય આ પ્રકારના ગુનાથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે સાથે સાથે ગેરકાયદેસર રીતે આ જમીન ઉપર મકાનો બનાવી ભાડે આપવાની અને વેચાણ કરવાની ગુનાહિત પ્રવૃત્તિઓને પણ અંજામ આપવામાં આવેલો છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સમગ્ર વોર્ડમાં ફિલ્ડવર્ક માટેના અધિકારીઓને ટીપી. વિભાગની પણ આ કિસ્સામાં ગંભીર ફરજ બેદરકારી છે તેની સામે પણ ખાતાકીય તેમજ ફોજદારી રાહે પગલાં ભરવામાં આવે, આ ઘટનામાં દબાણ શાખા અને રાંદરડા તળાવ વિસ્તારમાં વિજિલન્સ સુરક્ષા માટેની જવાબદારી જે તે એજન્સીઓની પણ ફિક્સ કરવામાં આવે તેની ફરજ બેદરકારી સબબ તેની સામે પણ પગલાંઓ ભરવામાં આવેલ, આ સમગ્ર પ્રકરણની તપાસ સીધી જ રાજકોટ મ્યુનિસિપલ કમિશરની દેખરેખ નીચે થાય અને ડે ટુ ડે કરેલ કાર્યવાહીની વિગતો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે તેમજ આ ઘટનામાં ભાજપના ઈશારે શાસક પક્ષના નગરસેવકોને બચાવવા માટેની તૈયારી થઈ રહી હોય તે પ્રકારે અન્ય મળતીયાઓના નામ સામેલ કરી અને કોર્પોરેટરને બચાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખરેખર આ ગંભીર ગુનો આચરનાર નગરસેવકોને બચાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાની ફરિયાદ સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લેવામાં આવે તેનું પૂરતુ ધ્યાન દઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. આ ગંભીર ઘટના સંદર્ભે કોઈ પણ પ્રકારના ઢાંકપિછોડા વગર બંધારણીય કાર્યવાહી કરવામાં આવે અને ઘટનાના જવાબદાર ભાજપ નગરસેવકોને છોડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.