ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
અપક્ષ સાંસદના સમર્થન બાદ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પોતાની સદી પૂરી કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના દમ પર 99 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. મહારાષ્ટ્રની સાંગલી સીટ પરથી જીતેલા અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. આ સાથે ઈન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો થયો છે અને તેમનો આંકડો વધીને 235 બેઠકોનો થઈ ગયો છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષને પોતાનો સમર્થન પત્ર સુપરત કર્યો છે.
- Advertisement -
પાટીલ પહેલાથી જ કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા. જો કે સીટ વહેંચણીમાં ઉદ્ધવ ઠાકરેને આ સીટ મળી હતી. ત્યારપછી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી. પાટીલે સાંગલી બેઠક પર એક લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આ બેઠક પર ભાજપે ફરી સંજય કાકા પાટીલને ટિકિટ આપી હતી. તેઓ પહેલાથી જ અહીંથી સાંસદ હતા. જ્યારે શિવસેના યુબીટીએ આ બેઠક પર ચંદ્રહર પાટીલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં લોકસભા ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2014માં કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે 2019માં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી.
ભાજપને જોરદાર ફટકો પડ્યો
આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને કુલ 234 સીટો જીતી છે. ભાજપને 2019ની સરખામણીમાં 1.1 ટકા મતોનું નુકસાન થયું છે. 2014ની સરખામણીમાં ભાજપનો વોટ શેર વધ્યો છે, છતાં તેણે સીટો ગુમાવી છે. 2014ની સરખામણીમાં આ વખતે ભાજપને 42 બેઠકો ઓછી મળી છે. ઈન્ડિયા ગઠબંધનમાં ઓછા વિખેરાયેલા મતોને કારણે ભાજપે બેઠકો ગુમાવી છે. આ સાથે જ ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સપનાને પણ જોરદાર ફટકો પડ્યો છે.