કોન્ટ્રાક્ટરો અને ઓપરેટરોના વાંકે ગંદકીના ગંજ વધ્યા: ડ્રાઇવિંગ લાયસન્સ અને PUC સહિતના પુરાવા ન હોવાની ગંભીર ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
મોરબી મહાનગરપાલિકા (મનપા) દ્વારા શહેરમાંથી કચરો ઉપાડવા માટે વસાવવામાં આવેલા જેસીબી અને ટ્રેક્ટર સહિતના નવા વાહનો ઉપયોગ વિનાના પડ્યા રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના મતે, કોન્ટ્રાક્ટરો અને ઓપરેટરોની બેદરકારીને કારણે આ વાહનો વપરાશમાં લેવાતા ન હોવાથી શહેરમાં ગંદકીના ગંજ વધી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા કચરો ઉપાડવા માટે નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને શહેરમાં 100થી વધુ કચરાના સ્પોટ બનાવવામાં આવ્યા છે. આ કચરાના નિકાલ માટે મનપાએ બે નવા જેસીબી અને ત્રણેક નવા ટ્રેક્ટર વસાવ્યા છે, પરંતુ આ તમામ વાહનો મનપાના મેદાનમાં ધૂળ ખાઈ રહ્યા છે.
- Advertisement -
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે, મનપા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેના એકપણ વાહનમાં નંબર પ્લેટ નથી. આ ઉપરાંત, આ વાહનોમાં પીયૂસી (ઙઞઈ) સહિતના જરૂરી પુરાવા નથી અને ડ્રાઇવરો પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોતા નથી. કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક આ નવા સાધનોનો ઉપયોગ થાય તેવા પગલાં લેવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે માગણી કરી છે.