ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં બની રહેલ ફૂડ કોર્ટના નિર્માણમાં ગેરરીતિ થઈ હોઈ તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવ્યા અનુસાર અંદાજે 1 કરોડથી વધુના ખર્ચે પાણીના ટાકા પાસે ફૂડ કોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે.જેની જમીન પાલિકાની માલિકીની છે કે લીઝ પર રાખવામાં આવી છે તેની માહિતી આપવા, દુકાનોની હરરાજી અખબારી માધ્યમથી જાહેરાત કર્યા બાદ યોગ્ય રીતે કરવા આવેદન આપવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જે તે સમયે ટેન્ડર આપવામાં આવ્યું તેમાં છપરાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જે પાછળથી ઉમેરવામાં આવ્યા છે અને તેની આસપાસ જે બ્લોક પાથરવામાં આવી રહ્યા છે ત્યાં હજુ ગટરનું કામ બાકી છે તો ભવિષ્યમાં ગટર બનાવવા માટે ફરી બ્લોક તોડીને પૈસાનો વેડફાટ થશે કે કેમ ? તેવા આક્ષેપો સાથે યોગ્ય કરવા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી.આ તકે શહેર કોંગ્રેસના મહામંત્રી ડો.હિતેશ જીમુડિયા અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ફૂડ કોર્ટની કામગીરી પૂર્ણ થવાના આરે છે તેમજ બ્લોક જે જગ્યાએ પાથરવામાં આવ્યા છે ત્યાં ડ્રેનેજની જગ્યા રાખીને જ કામ કરાયું છે.જેમ આ પ્રોજેક્ટ પૂર્ણ થશે તેમ નિયમાનુસાર ફાળવણી કરવામાં આવશે.
વેરાવળમાં ફૂડઝોનનાં કામમાં ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપ
