પોલીસવડાને 70 દારૂના અડ્ડાનું લિસ્ટ આપી 30 દિવસમાં જનતા રેડની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી વચ્ચે થયેલા શાબ્દિક પ્રહારો બાદ હવે ગુજરાત કોંગ્રેસ મોરચો સંભાળી રહી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં ધમધમતા 70 દારૂના અડ્ડાઓનું લિસ્ટ પણ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ મોરબી જિલ્લામાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ વેચાય છે. તેમણે જણાવ્યું કે, ’ઉડતું ગુજરાત’ એ ભાજપ સરકારની ગિફ્ટ છે અને ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી દારૂ અને ડ્રગ્સની બદીને નાથવામાં નિષ્ફળ રહી છે. આવેદનમાં ડ્રગ્સના મુદ્દે ગંભીર આક્ષેપો કરાયા છે કે, રાજ્યમાં હવાઈ માર્ગો, દરિયાઈ માર્ગો અને પોર્ટ મારફતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો કે પાંચ વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ અને હજારો લીટર પ્રવાહી ડ્રગ્સ પકડાયું છે. કોંગ્રેસે પોલીસ તંત્રને ચીમકી આપી છે કે, જો 70 દારૂના અડ્ડાઓ પર આગામી 30 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે.



