ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક રહી હોય તો તે છે બનાસકાંઠાની બેઠક. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. સામે પક્ષે ભાજપે પણ મહિલા ઉમેદવારનો દાવ ખેલીને રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. આ સાથે બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન વિરૂદ્ધ બનાસની દિકરી રેખાબેનનું આક્રમક કેમ્પેઈન ચાલ્યું હતુ. આજે મતગણતરીમાં પણ ભારે રસાકસીને અંતે છેલ્લા ત્રણ રાઉન્ડમાં ગેનીબેને મોટી લીડ મેળવતા કાઉન્ટિંગના અંતે ગેનીબેન વિજયી થયાનું જણાઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર ગેનીબેન છેલ્લા રાઉન્ડના અંતે 20,000થી વધુ મતોના માર્જિન સાથે વિજયી બન્યા છે. આ સાથે ગુજરાતમાં એક બેઠક ભાજપ પાસેથી છીનવાઈ છે અને 26 બેઠકોની હેટ્રિકનું સ્વપ્ન રોળાયું છે.
- Advertisement -
અમૂલ બાદની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે પણ આ વર્ચસ્વની લડાઈ હતી અને અંતે બનાસની બેને બાજી મારી છે. રાજ્યસભાના સાંસદ અને વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ગેનીબેનને જીતની શુભકામનાઓ પાઠવી છે.
62 વર્ષે મહિલા સાંસદ :
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિમી દૂર આવેલા આ લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.