લોકસભા ચૂંટણી વખતે રચાયેલું ‘ઈન્ડિયા’ ગઠબંધન તૂટવા લાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
લોકસભા ચૂંટણી પુર્વે ભાજપ સામે લડવા માટે રચાયેલા મહામોરચામાં હવે એક પછી એક ભંગાણ શરૂ થયા હોય તેમ હવે કોંગ્રેસ-આમઆદમી પાર્ટીનું ગઠબંધન ધરાશાયી થયુ છે. આવતા વર્ષે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરવાની અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના નેતા અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યુ હતું કે વિધાનસભાની આગામી ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. બન્ને પક્ષો લોકસભા ચૂંટણી એક સાથે લડયા હતા. દિલ્હીની સાતમાંથી ચાર પર આમ આદમી પાર્ટી તથા ત્રણમાં કોંગ્રેસે ઝુકાવ્યુ હતું. જો કે, સાતેય બેઠકમાંથી એકપણ બેઠક પર ગઠબંધનને જીત મળી ન હતી. છતાં અગાઉના વર્ષો કરતા પરાજયમાં માર્જીન નીચુ રાખ્યુ હતું. અરવિંદ કેજરીવાલની જોડાણ તોડવાની જાહેરાત બાદ કોંગ્રેસે પણ પલટવાર કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે કોંગ્રેસ જ જોડાણ જાળવવા તૈયાર ન હતી. કારણ કે લોકસભા ચૂંટણીમાં ‘આપ’ સાથેના જોડાણને કારણે કોંગ્રેસે નુકશાન ઉઠાવવુ પડયુ હતું.
દિલ્હી વિધાનસભામાં 2015 તથા 2020ની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. 2015માં 70માંથી 67 બેઠક પર ‘આપ’નો વિજય થયો હતો. જયારે 2020માં 62 બેઠકોમાં જીત મેળવી હતી. જો કે, લોકસભા ચુંટણીમાં ‘આપ’ કરતા કોંગ્રેસનો દેખાવ સારો હતો.
લોકસભા બાદ તાજેતરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આપ દ્વારા 90માંથી 10 બેઠક માંગવામાં આવી હતી. કોંગ્રેસ માત્ર 7 બેઠક આપવા તૈયાર થઈ હતી. પરિણામે સમાધાનનો તખ્તો ભાંગી ગયો હતો અને વિધાનસભા ચૂંટણીમાં જોડાણ શકય બન્યુ ન હતું. જો કે, કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના સીનીયર નેતાઓ જોડાણની તરફેણમાં હતા. દિલ્હીમાં આપ સરકાર પર કોંગ્રેસ વખતો વખત પ્રહાર કરી જ રહી છે. અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ધોરણે દિલ્હી ન્યાયયાત્રા પણ યોજી છે જે 4થી ડીસેમ્બર સમાપ્ત થાય છે. આ દરમ્યાન તેમના પર પ્રવાહી ફેંકીને હુમલાનો પ્રયાસ પણ થયો હતો. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એવો આક્ષેપ કર્યો હતો કે પાટનગરમાં કાયદો-વ્યવસ્થા ભાંગી પડી છે. ખુલ્લેઆમ ગોળીબાર થાય છે. ગેંગસ્ટરોએ દિલ્હી પર કબ્જો લઈ લીધાનો ઘાટ છે.
કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત : હરિયાણા પછી વધુ એક રાજયમાં ગઠબંધનમાં ભંગાણ : કોંગ્રેસનો વળતો લડાયક મિજાજ – ‘અમે જ જોડાણ ઈચ્છતા ન હતા’