ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન હસનાપુર ડેમ ગિરનારના જંગલમાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં શહેરની પાણીની જરૂરિયાત સંતોષાશે. જૂનાગઢને દરરોજ આ ડેમમાંથી 10 એમ.એલ.ડી. પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ડેમ ઓવરફલો થતા મેયર ધર્મેશભાઈ પોંશિયા અને અન્ય મહાનુભાવો દ્વારા ડેમનાં નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પૂજા વિધિમાં સ્થાયી સમિતિના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર પરાગભાઈ અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા, અગ્રણી શ્રેયસભાઈ ઠાકર અને વોટર વર્ક્સના ઈજનેર ભાવેશભાઈ મેર પણ હાજર રહ્યા હતા. ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.