જૂનાગઢના ગિરનારી ગ્રુપ અને પોરબંદરની હિતેશ કારિયા ટિફિન સેવાનો માનવીય અભિગમ; દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા વડીલો ભાવવિભોર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રવિવારની રાત્રે પોરબંદરમાં સેવા, સંસ્કાર અને સંવેદનાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જૂનાગઢના ’ગિરનારી ગ્રુપ’ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો અને દિવ્યાંગોને દ્વારકાધીશ તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવા માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું. યાત્રા પૂર્ણ કરી પરત ફરતી વેળાએ પોરબંદરમાં હિતેશ કારિયા ફ્રી ટિફિન સેવા દ્વારા આ 45 યાત્રાળુઓ માટે ભોજન અને સત્સંગનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રેમ અને આત્મીયતા સાથે પીરસાયું ભોજન ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણીના સંપર્ક બાદ હિતેશ કારિયા અને તેમની ટીમે તત્કાલ તૈયારીઓ કરી હતી. તમામ વૃદ્ધો અને અંધ દિવ્યાંગજનો માટે સાત્વિક ભોજન અને ફ્રૂટ ડીશની વ્યવસ્થા કરવામાં આવી હતી. લેડીઝ ટીમની બહેનોએ ભોજન બનાવવાથી લઈ પીરસવા સુધીની જવાબદારી અત્યંત પ્રેમપૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે જગ્યાના દાતા એડવોકેટ ભરતભાઈ લાખાણી સહિત શહેરના અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભજનના સૂર સાથે ભાવુક વિદાય ભોજન બાદ ભજન-સત્સંગનું આયોજન કરાયું હતું, જેમાં વડીલો અને દિવ્યાંગજનો ભક્તિરસમાં તરબોળ થયા હતા. પોરબંદરની આ મહેમાનગતિ અને નિ:સ્વાર્થ સેવાથી જૂનાગઢનું ગિરનારી ગ્રુપ અને તમામ યાત્રાળુઓ અત્યંત પ્રભાવિત થયા હતા. માનવીય મૂલ્યોને જીવંત રાખતી આ ઘટનાએ પોરબંદરમાં સેવાની સુવાસ પ્રસરાવી હતી. અંતે વડીલોએ આશીર્વાદ સાથે ભાવુક વિદાય લીધી હતી.



