રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, સંઘના સ્થાપના દિવસ અને વિજયાદશમી પર્વ નિમિત્તે જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની સજ્જન શક્તિને નિખારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નગરજનોને ઉપસ્થિત રહેવા આયોજક સમિતિ દ્વારા ભાવભરી વિનંતી કરવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢ શહેરના પાંચ જેટલાં ઉપનગરોમાં એકસાથે પથ સંચલન અને ત્યારબાદ સમાજની સજ્જન શક્તિની ઉપસ્થિતિમાં પ્રાત્યક્ષિક દ્વારા વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે, સંઘની 100 વર્ષની સેવા, સંઘર્ષ, સમર્પણ અને રાષ્ટ્રભાવનાની શિસ્તબદ્ધ વિકાસ યાત્રામાં સહભાગી બનવા સોરઠના સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સકારાત્મક વિચારના વાહક બનવા અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યયોજનાના ભાગરૂપે આયોજિત ઉત્સવમાં ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંઘચાલક પિયુષભાઈ મદાણી દ્વારા યાદીમાં જણાવાયું છે. જિલ્લાના 6 તાલુકાના સ્થાનો પર પણ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.