ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં આગામી સ્વરાજ્યના એકમોની સામાન્ય અને પેટા ચૂંટણી-2025 અંતર્ગત રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા રાણાવાવ તાલુકા પંચાયતની મતદાર મંડળ 10-રામગઢની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ માટે તા. 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાનું સુચારું આયોજન અને આચાર સંહિતા અમલમાં લાવી શકાય તે માટે નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થયેલ નોડલ ઓફિસરો માટે પોરબંદર જિલ્લા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ) અને નિવાસી અધિક કલેકટર જે.બી. વદરની અધ્યક્ષતા હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડમાં વિશેષ તાલીમ સત્ર યોજાયું હતું. તાલીમમાં રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી આયોજન, નિયંત્રણ અને અમલ અંગે નિર્દેશો આપવામાં આવ્યા હતા. આચાર સંહિતાના પાલન, ઈવીએમ/મતપેટી મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, મતદાર જાગૃતિ, ચૂંટણી ખર્ચ દેખરેખ અને મીડિયા મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી પ્રક્રીયાને મુલાયમ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં સંબંધિત નોડલ અધિકારીઓએ હાજરી આપી હતી અને પોતાના જવાબદારીના મુદ્દાઓ પર સ્પષ્ટતા મેળવી હતી. આ ચૂંટણી માટેની તમામ તૈયારી જિલ્લાની ચૂંટણી મશીનરી દ્વારા પૂર્ણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તાકીદ કરી હતી.