નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે 2 કરોડના ICCCનું લોકાર્પણ; શહેરીજનોને ઉત્તમ સુવિધા આપવાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’ના સમાપન દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવે સુરેન્દ્રનગરના બાળકોએ સાયન્સ સિટી જોવા અમદાવાદ જવું નહીં પડે. શહેરમાં જ કેરાળા ગામ પાસે ₹20 કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વર્ચ્યુઅલી માધ્યમથી આ વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી આ સુવિધા સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹2 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઈંઈઈઈ અને બે આર.આર. સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. કમિશનર નવનાથ ગ્વહાણેએ જણાવ્યું કે, ICCC પરથી 35 પ્રોપર્ટીમાં સીસીટીવીનું મોનિટરીંગ શરૂ થશે અને મહાનગરપાલિકાના વાહનોના કાફલાનું પણ જીપીએસ મોનિટરીંગ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં 300થી વધુ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી દેવાયા છે.
જિલ્લા આયોજન મંડળની જોગવાઈ હેઠળ ₹12.25 કરોડના ખર્ચે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરાયું. ઉપરાંત, ફાયર અને ઇમરજન્સી સર્વિસના સાધનોની ખરીદી માટે ₹9.71 કરોડના ખર્ચે કરારપત્ર કરવામાં આવ્યા. પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કમિશનર, નાયબ કમિશનર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.