ભારતમાં ફરી એકવાર કોરોનાએ ગતિ પકડી છે. જેને લઈને તમામ રાજ્યો એલર્ટ થઈ ગયા છે. આગામી 10-11 એપ્રિલે તમામ રાજ્યોની હોસ્પિટલોમાં કોરોનાને લઈને મોકડ્રીલ યોજાશે.
દેશભરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ સરકાર અને લોકોની ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. કોરોનાને લઈને ઉત્તર પ્રદેશમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. લખનઉની લોકબંધુ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અજય શંકર ત્રિપાઠીએ જણાવ્યું કે, દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે. સરકારે અમને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. અમે કોવિડ માટે હોસ્પિટલમાં 25 બેડ રિઝર્વ રાખ્યા છે. તમામ વેન્ટિલેટરને પણ ચેક કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટની પણ સારી રીતે જાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે 10-11 એપ્રિલે મોકડ્રીલ પણ યોજાશે.
- Advertisement -
ગતરોજ યોજાઈ હતી સમીક્ષા બેઠક
તમને જણાવી દઈએ કે, ભારતમાં ફરી એકવાર કોરોનાએ ગતિ પકડી છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મનસુખ માંડવિયાએ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવાની સૂચના આપી હતી.
10 અને 11 એપ્રિલના રોજ દેશભરમાં મોકડ્રીલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તમામ હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ ચકાસવા માટે 10 અને 11 એપ્રિલે દેશભરમાં કોરોનાની મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે અને ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થો અને સ્ટાફની માહિતી મેળવવા માટે આવશે.
કોરોનાના 38 ટકા કેસ નવા વેરિઅન્ટ XBB.1.16ના
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નવા કોવિડ-19 કેસોમાં 13.4% નો ઉછાળો આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં જોવા મળતા કોરોનાના 38 ટકા કેસ નવા વેરિઅન્ટ XBB.1.16ના છે. જીનોમ સિક્વન્સિંગ પર દેખરેખ રાખનાર INSACOG અનુસાર, દેશમાં દરરોજના 38.2% કોરોના કેસ XBB.1.16 વેરિઅન્ટના છે.