બાળકના જન્મ પૂર્વે ભાગ્યે જ જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની 10 સે.મી. ગાંઠ કાઢી
ઓપરેશન કરવાની ખાનગી હોસ્પિટલે તો ના જ પાડી દીધી!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે આરોગ્ય ક્ષેત્રે જવલ્લે જ જોવા મળતા જટિલ કિસ્સામાં ડોક્ટરની કુનેહ તેમજ કુશળતાની પરીક્ષા લેવાતી હોય છે. હાલમાં આવા જ કિસ્સામાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગાયનેક વિભાગના ડોક્ટરે આવી જ એક સર્જરી કરી માતા-બાળકને નવજીવન આપ્યું હતું. ખાનગી હોસ્પિટલે ના પાડી તો જોખમી સર્જરીને સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ સફળ બનાવી હતી અને પ્રસૂતાના ગર્ભાશયમાંથી 10 સેમી ગાંઠ કાઢી માતા-બાળકનો જીવ બચાવતા પરિવાર દ્વારા ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગાયનેક સર્જન ડો.પાર્થ હિરપરાના જણાવ્યા મુજબ, 32 વર્ષીય અનુરાધાબેન વિશાલકુમાર પ્રસૂતા મહિલાને ગર્ભાશયના મુખ પર બાળકના માથાના ભાગ નીચે 10 સે.મી.ની ગાંઠ થયેલી. ગાંઠના લીધે બાળકના જન્મની સાથે ગાંઠનું ઓપરેશન કરવું જરૂરી હતું. આ સર્જરી ખુબ જ જોખમી હોઈ અનેક ખાનગી હોસ્પિટલ્સ દ્વારા તેઓને દાખલ કરવાની મનાઈ કરી હતી. જેથી તેઓ અહીં પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયેલા. ડો.હિરપરા આ સર્જરી અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું કે, બાળકને સિઝેરિયન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સિઝેરિયન દરમ્યાન ગાંઠના ભાગને સાઈડમાં કરી બાળકનો સુખરૂપ રીતે જન્મ કરાયો હતો. જે બાદ સર્જરી દરમ્યાન લોહી ખૂબ વહેવાની શક્યતા વચ્ચે ગર્ભાશયની ગાંઠની જટિલ સર્જરી પાર પાડી. હાલ માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે.
મોટાભાગે 40 વર્ષ પછી મહિલાઓમાં ગર્ભાશયમાં આ પ્રકારની ફાઈબ્રોઈડ ગાંઠ થતી જોવા મળે છે, ત્યારે તેઓનું ઓપરેશન કરી ગર્ભાશય બહાર કાઢી લેવામાં આવે છે. જો કે આ મહિલાના કિસ્સામાં તેઓનું પ્રથમ બાળક હોય ગર્ભાશય સલામત રહે તે મોટી જવાબદારી હતી. આ ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે (ટોટલ લેપ્રોસ્કોપિક હિસ્ટરેકટમી) દૂરબીન વડે કોથળી કાઢવાની અનેક સર્જરી કરી આપવામાં આવી હોવાનું ડો.પાર્થે જણાવ્યું છે.
- Advertisement -
પદ્મકુંવરબા હોસ્પિટલના અધ્યક્ષ ડો. તરીષા મર્ચન્ટના જણાવ્યા મુજબ, સમગ્ર ગુજરાતમાં રાજકોટ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ગાયનેક વિભાગમાં પ્રથમ નંબરે રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા ‘’સ્વસ્થ માતા સ્વસ્થ બાળ” અભિયાનને સાર્થક કરતી પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.