ગિરનાર ટોચ પર ‘મા અંબા’ના ધામમાં નવરાત્રિ મહોત્સવની ધર્મમય પૂર્ણાહુતિ
પથ્થરચટ્ટી અને ગૌ-મુખી ગંગા સહિત જગ્યા પર યજ્ઞ સંપન્ન, અષ્ટમીના પાવન અવસરે ગિરનારના પહાડો પવિત્ર મંત્રોચ્ચારથી ગૂંજ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ ગિરનાર ગીરીવરની ટોચ પર બિરાજમાન જગતજનની મા અંબાના પાવનધામમાં નવરાત્રિ મહોત્સવની આજે, અષ્ટમીના દિવસે, યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. માતાજીના નાદ અને મંત્રોચ્ચારથી આખો ગિરનાર પર્વત ભક્તિમય બની ગયો હતો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના અનુષ્ઠાનમાં લીન રહેલા સાધકો અને મંદિરના પૂજારીઓએ વિશેષ આરાધના કરી હતી. આજે, આઠમના પવિત્ર દિવસે, વહેલી સવારે માતાજીની આરતી-પૂજા બાદ યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. માતાજીની સમક્ષ વિધિવત રીતે હવન કરાયો હતો, જેમાં અનુષ્ઠાન કરી રહેલા પૂજારીઓએ આહુતિ આપી ધર્મનો મહિમા વધાર્યો હતો. બપોરે 12:00 વાગ્યાના શુભ મુહૂર્તે યજ્ઞમાં બીડુ હોમવામાં આવ્યું હતું, જેની સાથે જ નવરાત્રિની શાસ્ત્રોક્ત રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ માતાજીને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ઉપસ્થિત તમામ ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
ગિરનાર જટાશંકર મહાદેવ મંદિર-શિવશક્તિનો સંગમ
જૂનાગઢના ગિરનાર પર્વતનું મુખ્ય પ્રવેશ દ્વારા પર આવેલું જટાશંકર મહાદેવ મંદિર આધ્યાત્મિકતા અને ભક્તિનું કેન્દ્ર છે. આ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે સ્થિત છે અને અહીં આવેલું રાજ રાજેશ્વરી શક્તિ પીઠ વિશેષ આકર્ષણ ધરાવે છે. નવરાત્રિ દરમ્યાન અહીં વિશેષ અનુષ્ઠાન અને પૂજાઓ યોજાય છે, જેમાં હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરની અંદર વિવિધ દેવીઓની મૂર્તિઓ શોભાયમાન છે અને ભક્તો માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. શિવશક્તિના સંગમ રૂપે આ પવિત્ર સ્થાન ગીરનાર યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ ધામ છે. ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનું અનોખું મિલન અહીં જોવા મળે છે.
પથ્થરચટ્ટી ખાતે ચંડી યજ્ઞ અને સંતો-ભક્તોની હાજરી…
આજે પથ્થરચટ્ટી ખાતે પણ પવિત્ર ચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બીડુ હોમવાના શુભ પ્રસંગે અનેક સંતો-મહંતો અને અગ્રણી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ, શ્રી વિચિત્રાનંદજી મહારાજ, સીતાવનના શ્રી ભગવતદાસ બાપુ, મહાકાલ ગુફાના શ્રી ભરતદાસ બાપુ, હરિભાઈ અને હિતેશભાઈ, તેમજ પથ્થર ચટ્ટી ખાતે અનુષ્ઠાન કરનારા નાગભાઈ વાળા, યોગીભાઈ પઢિયાર, રમેશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય તરીકે નિમિષભાઈ અને બીજેશભાઈએ યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી. ગૌ-મુખી ગંગા અને મા અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે પણ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં પંચ અગ્નિ અખાડાના સચિવ શ્રી સંપૂર્ણાનંદજી અને મહંત શ્રી વિચિત્રાનંદજી, શ્રી માધવાનંદજી સહિત મોટી સંખ્યામાં સેવકો અને ભાવિકો હાજર રહ્યા હતા. ખાસ કરીને, આ યજ્ઞોમાં અમેરિકાના પ્રજ્ઞેશભાઈ પટેલ અને લંડનના કેતનભાઈ પટેલ સહિત વિદેશમાં વસતા ગુજરાતી ભક્તોએ પણ હાજરી આપીને ધાર્મિક કાર્યક્રમને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો.
- Advertisement -