ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ કાલથી તમામ મતદાન બૂથોનો કબજો પોલીસ સ્ટાફ હસ્તક
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની 182 પૈકી પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. પ્રચારના અંતિમ કલાકોનો લાભ લેવા માટે અમીત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ મેદાને છે. સાંજથી મતદાર સિવાયના નેતાઓ-કાર્યકરોને સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના મતક્ષેત્રો છોડી દેવાના આદેશ કરવામાં આવ્યા છે.
1લી ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબકકાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાઓ સામેલ છે. સાંજે પાંચ વાગ્યા બાદ ઉમેદવારો જાહેર પ્રચાર નહીં કરી શકે. અમીત શાહ ત્રણ જીલ્લામાં પ્રચાર કરશે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા ભાવનગરમાં રોડ-શો કરશે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ-શો કરશે. પ્રથમ તબકકાની 89 બેકઠો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.
- Advertisement -
ગુજરાત વિધાન સભાની આગામી તા.1 ડીસેમ્બરે યોજાનારી પ્રથમ તબકકાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય શાંતીપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે આ ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીતંત્ર સંજ્જ બની ગયું છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વિધાન સભાની 48 બેઠકોના તમામ બુથોનો આવતીકાલે તા.30ના સાંજે પોલીંગ સ્ટાફ કબ્જો લઈ લેશે. દરમિયાન આજે સાંજના પાંચ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ હોય પ્રચાર ભૂંગળા શાંત થઈ જશે અહીં એ ઉલ્લેખનીય છે કે આ વખતે મતદારોએ ઉત્સાહ નહી બતાવતા અને પોતાનું મન કળવા નહી દેતા રાજકીયપક્ષો અને ઉમેદવારોની ચિંતા વધી છે.