-ગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો ફટાફટ નિકાલ
નાગરિકોની રજુઆતો, ફરિયાદોનો ટેકનોલોજીના માધ્યમથી ઉકેલ લાવવા માટે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે શરૂ કરેલા સ્વાગત ઓનલાઈનના રાજય સ્વાગત કાર્યક્રમમાં 22મીએ ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
અને અરજદારોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા. ગુજરાતને ફાળવાયેલા 2022ની બેચના 9 પ્રોબેશનરી આઈએએસ યુવા અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી, નાગરિકોની રજુઆતો જે પોઝીટીવ એપ્રોચથી ઉકેલતા હતા. તે જોઈને અને સમજીને તેમણે તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરૂઆત કરી હતી.
સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ રાજય સ્વાગતના આ ઉપક્રમમાં 22મીના આ ગુરુવારે 12 જેટલી રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ વિવિધ જિલ્લાના રજુઆતકર્તાઓએ કરી હતી. જેમાં લઘુ અને નાના ઉદ્યોગકારો, પિયત સહકારી મંડળીઓ, ગેરકાયદે દબાણ વગેરેની સમસ્યાનું ત્વરાએ સમાધાન થાય તે માટે મુખ્યમંત્રીએ દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે રાજયના દરિયાકાંઠા વિસ્તારો સહિત જે જીલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાની અસર પહોંચી છે ત્યાં થયેલી નુકસાનીનો પ્રાથમીક સર્વે ઝડપભેર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી.
વરસાદ અને ચોમાસાની સ્થિતિ પુર્વેના આગોતરા આયોજન અંગે પણ તેમણે જિલ્લાના કલેકટરો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની ફરિયાદો, રજુઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી ત્વરાએ નિરાકરણ લાવવા રાજયના જીલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આવા રજુઆતકર્તાઓએ પોતાની ફરિયાદ લઈને ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમસ્યાનું યોગ્ય નિવારણ થઈ જાય તેવી અપેક્ષા તેમણે સ્વાગત ઓનલાઈનના રાજયકક્ષાના સ્વાગત દરમિયાન વ્યક્ત કરી હતી.